અમદાવાદના નાગરિકો માટે ખુશખબર સામે આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, લાંબા સમયથી રાહ જોવડાવતું સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન 28 નવેમ્બર મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સાથે જ મેટ્રો ફેઝ-1 ના તમામ બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને હવે અમદાવાદ મેટ્રોનાં તમામ 32 સ્ટેશનો સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું અદ્ભુત જોડાણ
આ નવા સ્ટેશનના શરૂ થવાથી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરને સીધું જોડાણ મળી ગયું છે. હવે કુલ 40.03 કિલોમીટરના વિશાળ નેટવર્ક પર મેટ્રો દોડતી થશે. ખાસ કરીને સાબરમતી રેલવે સ્ટેશન સુધી મેટ્રો કનેક્ટિવિટી મળવાથી રેલવે મુસાફરો અને દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો તથા વિદ્યાર્થીઓ માટે ટ્રેનમાંથી સીધા મેટ્રોમાં બેસવાની સગવડ અત્યંત સરળ બની ગઈ છે.
