ગુજરાતના શૈક્ષણિક અને રાજકીય આલમમાં 'મંત્રી વિરુદ્ધ શિક્ષકો' વિવાદનો આખરે સત્તાવાર અંત આવ્યો છે. રાજ્યના મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકોના પગાર પંચ અને તેમની નૈતિકતા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, ચારેબાજુથી ઘેરાયેલા અને સંગઠનોના અલ્ટીમેટમનો સામનો કરી રહેલા મંત્રી રમેશ કટારાએ આખરે મોડી રાત્રે પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી લીધી છે.
શું હતું સમગ્ર વિવાદિત નિવેદન?
ઉલ્લેખનીય છે કે, એક જાહેર મંચ પરથી મંત્રી રમેશ કટારાએ આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે, "સરકાર દ્વારા ૮મું અને ૯મું નાણાપંચ/પગારપંચ મળતું હોવા છતાં શિક્ષકોની ભૂખ મટતી નથી અને તેઓ વારંવાર ધરણાં કે રેલીઓ કરે છે." મંત્રીના આ નિવેદન બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિતના મોટા કિસાન અને શૈક્ષણિક સંગઠનો લાલચોળ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર મંત્રીના સામાન્ય જ્ઞાન અને તેમની ભાષા શૈલી પર લાખો શિક્ષકોએ આકરા પ્રહારો શરૂ કર્યા હતા, જેને પગલે ગાંધીનગર સચિવાલય સુધી ગરમાવો આવી ગયો હતો.










