અમદાવાદમાં મીડીયાકર્મી સાથે ગેરવર્તણૂક અને ધક્કામુક્કી કરવા બદલ બે બાઉન્સર એજન્સીઓ, ડોક્સ્ન સર્વિસિસ અને શક્તિ પ્રોટેક્શન ફોર્સ પર AMC દ્વારા 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગેરવર્તણૂક કરનાર બાઉન્સર એજન્સીને દંડ
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એક ઘટના દરમિયાન આ બંને એજન્સીઓના બાઉન્સરો દ્વારા મીડિયાકર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઇ AMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાઉન્સરોની ગેરવર્તણૂક સ્પષ્ટ થઇ હતી.
બંન્ને એજન્સીના 4 બાઉન્સરને હટાવવાનો નિર્ણય
દક્ષિણ-પશ્ચિમ ઝોન કચેરી ખાતેથી બંને એજન્સીના ચાર બાઉન્સરો તાત્કાલિક હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષાત્મક પગલાં અંગે પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. AMC દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર જગ્યાઓ પર અને ખાસ કરીને મીડિયાકર્મીઓ સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક ચલાવી લેવામાં આવશે નહીં અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી બાઉન્સર એજન્સીઓમાં શિસ્ત જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.









