અમદાવાદમાં સ્નેચિંગ અને ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જ્યાં તસ્કરો બેફામ બન્યા હોવાની સ્થિતિ સામે આવી છે. શહેરના નિરાંત ચાર રસ્તા પાસે રાહદારીનો મોબાઈલ સ્નેચિંગ કરવાની ઘટના બની છે. એક્ટિવા પર આવેલા બે સ્નેચરોએ રાહદારી પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ત્યારબાદ બંને શખ્સો પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી રાહદારી ચોંકી ઉઠ્યો હતો અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. શહેરના વ્યસ્ત માર્ગો પર આ પ્રકારના બનાવો બનતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.
વસ્ત્રાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટના અંગે જાણ થતા વસ્ત્રાલ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બનાવ સ્થળ અને આસપાસના વિસ્તારની વિગતો એકત્રિત કરીને એક્ટિવા સવાર બંને સ્નેચરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતા સ્નેચિંગના બનાવોને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ અને કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
