અમદાવાદ મહાનગરપાલિકાની ભારે બેદરકારી સામે આવી છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા ઐતિહાસિક વસ્ત્રાપુર તળાવની જાળવણીમાં ઘોર ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. તળાવમાં STPના પાણીના નિકાલ માટે મૂકાયેલી જાળીઓ ખોલી નાખવામાં આવી છે. આ જાળીઓ ખુલ્લી કરી દેવાતાં ગંદા પાણીની સાથે મોટા પ્રમાણમાં ઘન કચરો અને પ્લાસ્ટિક સીધું તળાવમાં ઠલવાઈ રહ્યું છે. વહીવટી તંત્રની આ લાપરવાહીના કારણે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે અને આસપાસના વિસ્તારમાં મોહરા અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે.
મોર્નિંગ વોકર્સ અને સ્થાનિકો પરેશાન
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તળાવોમાં માત્ર ચોખ્ખું વરસાદી પાણી જ એકત્ર કરવાનું હોય છે અને એસટીપીનું પાણી છોડવાનું હોતું નથી. આમ છતાં, મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજ મિશ્રિત પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદ બાદ તળાવ પરિસરમાં યોગ્ય સફાઈ ન થવાના કારણે સવારે વોકિંગ માટે આવતા મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દુર્ગંધ અને મચ્છરોના ત્રાસના કારણે લોકો માટે અહીં બે મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.
