રાજસ્થાનનું એકમાત્ર પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ હાલમાં હાડ થીજવતી ઠંડીની લપેટમાં આવી ગયું છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં જ શિયાળાની તીવ્રતાએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો છે, જેના પગલે આજે લઘુત્તમ તાપમાન માઈનસ 1 નોંધાયું છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં તાપમાન માઈનસમાં પહોંચવાનો આ પ્રથમ બનાવ છે.
આબુ હાડ થીજવતી ઠંડીની લપેટમાં
ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષા અને ઠંડીની સીધી અસર માઉન્ટ આબુ પર જોવા મળી રહી છે. સવારના સમયે ગાડીઓ, ખુલ્લા મેદાનો અને ઘાસ પર બરફની જાણે ચાદર જામી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જનજીવન પર અસર
તાપમાનમાં આકસ્મિક ઘટાડાને કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે. ઠંડીથી બચવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓ ગરમ કપડાં, સ્વેટર, જેકેટ, મફલર અને ટોપી જેવા ગરમ પોશાક તેમજ બોનફાયર (તાપણાં) નો સહારો લેવા મજબૂર બન્યા છે.વહેલી સવારે દૈનિક કાર્યોમાં વિલંબ જોવા મળી રહ્યો છે.વહેલી સવારે શાળાએ જતાં બાળકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે. વળી, વૃદ્ધો અને બીમાર લોકોએ આ તીવ્ર ઠંડીથી બચવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડી રહી છે.
દૂરના વિસ્તારોમાં વધુ ઠંડી
માઉન્ટ આબુના ગુરુ શિખર, અચલગઢ, ઉડિયા, અને જવાઈ જેવા દૂરના વિસ્તારોમાં જ્યાં ખેતી પણ થાય છે, ત્યાં તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં ઝાકળના ટીપાં લાંબા સમય સુધી બરફ સ્વરૂપે જામી રહે છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થઈ રહ્યું છે. જોકે, દિવસ દરમિયાન તાપમાન આસપાસ રહેતાં લોકોને થોડી રાહત મળે છે.