અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી ખૂબજ ઝડપથી આગળ વધી રહી છે. આ હાઈસ્પીડ ટ્રેનનો પ્રથમ તબક્કો 2027માં શરૂ થશે. તેનું પ્રારંભિક સંચાલન ભારતીય હાઈસ્પીડ ટ્રેનથી થશે. હાલમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ બાબત ભારત અને જાપાન વચ્ચે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે. ભારતને ઈ 20 ટ્રેન સીરીઝ પણ 2030 સુધી ઉપલબ્ધ થશે. બીજી તરફ અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે રોડ ઓવર બ્રિજ પર 80 મીટર લાંબો સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો છે.

ભારતને ઈ 10 ટ્રેન સીરીઝ 2030 સુધી ઉપલબ્ધ થશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચેની ચર્ચા ખૂબ જ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.જાપાન ઈ-10 ટ્રેન સિરીઝ ઉપલબ્ધ કરાવશે પરંતુ આ માત્ર 2030ના શરૂઆતના વર્ષોમાં જ શક્ય બનશે. કારણ કે આ ટ્રેન હજુ વિકાસના તબક્કામાં છે અને તેની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. તેનો પ્રથમ સેક્શન વર્ષ 2027માં જ શરૂ થઈ જશે. આ મામલે બંને દેશો સહમત થયા છે કે શરૂઆતનું સંચાલન ભારતીય હાઈ સ્પીડ ટ્રેન દ્વારા કરવામાં આવશે.સિગ્નલિંગના સાધનો આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.આ પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

80 મીટરની વધુ લંબાઈવાળા સ્પાનની આવશ્યકતા ઊભી થઈ
અમદાવાદમાં અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજના સફળ લોન્ચિંગ સાથે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વધુ એક નોંધપાત્ર એન્જિનિયરિંગ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બુલેટ ટ્રેન વાયાડક્ટનું નિર્માણ મુખ્યત્વે સ્પાન બાય સ્પાન કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાન્ય સ્પાનની લંબાઈ 30થી 50 મીટર સુધીની હોય છે.અનુપમ ફ્લાયઓવર ક્રોસિંગ પર થાંભલાઓને હયાત ફ્લાયઓવરની બંને બાજુએ ગોઠવવા જરૂરી હતા જેના માટે 80 મીટરની વધુ લંબાઈવાળા સ્પાનની આવશ્યકતા ઊભી થઈ હતી.

રેલવે રોડ ઓવર બ્રિજ પર 80 મીટર લાંબો સ્ટીલ બ્રિજ લોન્ચ
14 મીટરની ઊંચાઈ અને 14.4 મીટરની પહોળાઈ ધરાવતો 1,004 મેટ્રિક ટન વજનનો આ સ્ટીલ બ્રિજ મહારાષ્ટ્રના વર્ધામાં આવેલી ઝેટવર્કની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને બાંધકામના સ્થળે પરિવહન કરવામાં આવ્યો હતો. બ્રિજને એસેમ્બલ કરવા અને લોન્ચ કરવા માટે 10.8 મીટર x 140 મીટર માપની અને આશરે 1,110 મેટ્રિક ટન વજન ધરાવતી ખાસ ડિઝાઇન કરાયેલી કામચલાઉ લોન્ચિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.આ બ્રિજ જમીન સ્તરથી આશરે 18 મીટર ઉપર કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર 18 સ્કીડ એરેન્જમેન્ટ્સ અને 35,602 ટોર્ક-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરીને એસેમ્બલ કરવામાં આવ્યો હતો.
17 સ્ટીલ બ્રિજમાંથી 15 બ્રિજની કામગીરી પૂર્ણ
એસેમ્બલી પૂર્ણ થયા પછી હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરીને કામચલાઉ લોન્ચિંગ સ્ટ્રક્ચર પર સમગ્ર બ્રિજને લંબાઈની દિશામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.તમામ બાંધકામ અને સલામતી ધોરણોનું કડક પાલન કરીને જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી મેળવેલા આયોજિત ટ્રાફિક બ્લોક દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લંબાઈની દિશામાં લોન્ચિંગ કર્યા પછી બુલેટ ટ્રેન વાયાડક્ટ સાથે તેનું ચોક્કસ અંતિમ સંરેખણ પ્રાપ્ત કરવા માટે બ્રિજને કાળજીપૂર્વક સાઇડ સ્લ્યુ કરવામાં આવ્યો હતો.ગુજરાતમાં આયોજિત 17 સ્ટીલ બ્રિજમાંથી 15 બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે એકંદરે 28 સ્ટીલ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ