અમદાવાદના નારણપુરામાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.બે જૂથ વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.તોફાની તત્વોએ કેટલીક ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટના અંગે નારણપુરા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.વિસ્તારમાં તંગદિલી સર્જાયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે ગુનો નોંધીને તપાસની દિશામાં પગલાં ભર્યા છે. અથડામણમાં સંડોવાયેલા તત્વોની ઓળખ અને ભૂમિકા અંગે પોલીસ દ્વારા વિગતો મેળવવામાં આવી રહી છે.

લોકોને શાંત પાડી કડક કાર્યવાહીની ખાતરી આપવી પડી

નારણપુરા ગામમાં અસામાજિક તત્વો વચ્ચે સર્જાયેલી માથાકૂટને પગલે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ ફેલાયો હતો.આ બનાવની ગંભીરતા હોવા છતાં સ્થાનિક ધારાસભ્ય કલાકો સુધી સ્થળ પર પહોંચ્યા ન હતા.જ્યારે તેઓ મોડેથી મુલાકાતે આવ્યા ત્યારે સ્થાનિક નાગરિકોએ તેમને ઘેરીને આકરા પ્રશ્નો કર્યા હતા.લોકોએ પોતાની સલામતી અને સેફટી સામે ઊભા થયેલા જોખમ અંગે સ્પષ્ટતા માંગી હતી.તે સમયે ધારાસભ્યએ સલામતીની ખાતરી આપવાના બદલે પોતાના કાર્યકાળમાં બનાવેલા રોડના કામો ગણાવવાનું શરૂ કર્યું હતું.આ અસંવેદનશીલ વલણ જોઈને ઉપસ્થિત લોકો વધુ રોષે ભરાયા હતા.સ્થાનિકોએ ઉગ્ર રજૂઆતો કરતા મામલો ગરમાયો હતો. અંતે ધારાસભ્યએ લોકોને શાંત પાડી કડક કાર્યવાહીની ખાતરી આપવી પડી હતી.

પોલીસ અધિકારીઓએ પણ બનાવ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બનાવ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.પોલીસે આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર હેમાંગભાઈની વિધિવત ફરિયાદ નોંધી હતી.ફરિયાદના આધારે 4 શખ્સો સામે નામજોગ તેમજ અન્ય અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ અધિકારીએ તમામ આરોપીઓને ઝડપી પાડવાનું વચન આપ્યું હતું.ભવિષ્યમાં આવી હિંસક ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવવાની બાંહેધરી આપી હતી.ઉપરાંત ગામમાં ચાલતી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અલગથી ખાસ ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ છે. આ તરફ ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે ઘટના સમયે પોલીસ કે ધારાસભ્ય કોઈએ ધ્યાન આપ્યું નહોતું.મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ તમામ દોડતા થયા હતા. ગ્રામજનોએ આ કાયમી દૂષણ જડમૂળથી દૂર કરવાની પ્રબળ માંગણી કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabadના નારણપુરામાં બે જૂથ વચ્ચે બબાલ, તોફાની તત્વોએ ગાડીઓના કાચ તોડી મચાવ્યો આતંક!