અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોનો ખોફ સતત વધી રહ્યો હોય તેવી સનસનાટીભરી ઘટના નરોડામાંથી સામે આવી છે. નરોડા વિસ્તારમાં આવેલા આંબેડકર નગર, સંવિધાન સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના (હંસપુરા ઔડાના મકાનો) નજીક વહેલી સવારે જાહેરમાં 30 વર્ષીય યુવકની લાકડીઓ અને ડંડાના ઉપરાછાપરી ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ જતીન તરીકે થઈ છે. 3 થી 4 જેટલા અજાણ્યા હુમલાખોરોએ આ ઘાતકી કાંડને અંજામ આપ્યો હતો અને હત્યા કર્યા બાદ આરોપીઓ બિન્ધાસ્ત ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
નરોડા વિસ્તારમાં માથામાં ફટકા મારી ઢીમ ઢાળી દીધું
નરોડા હંસપુરા ઔડાના મકાનો તેમજ સંવિધાન સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ બહાર વહેલી સવારના સુમારે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.30 વર્ષીય જતીન ત્યાં હાજર હતો તે દરમિયાન ૩ થી ૪ જેટલા શખ્સો હાથમાં લાકડીઓ અને જાડા ડંડા લઈને અચાનક તેના પર તૂટી પડ્યા હતા.હુમલાખોરોએ જતીનના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર જીવલેણ ફટકા માર્યા હતા, જેના કારણે તે લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.હત્યાને અંજામ આપીને તમામ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
