અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં બની રહેલા ઓવર બ્રિજના નિર્માણ કાર્યમાં થઈ રહેલા ભારે વિલંબને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ સપાટી પર આવ્યો છે. આ મુદ્દે રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર પત્ર પાઠવીને તીખા સવાલો કર્યા છે.
સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર આપવા સામે ઉઠાવ્યા સવાલ
રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલે પત્રમાં આકરા પ્રહારો કરતા પ્રશ્ન પૂછ્યો છે કે, જ્યારે પ્રોજેક્ટ માટે સાઇટ ક્લિયરન્સ અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી સિસ્ટમ જેમ કે ગેસ, ડ્રેનેજ અને વીજળીની પાઇપલાઇનો અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હતી, તો પછી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર શા માટે આપી દેવામાં આવ્યો?


