અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બેઠા બેઠા અમેરિકન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક હાઈટેક બોગસ કોલ સેન્ટરનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ પાસે આવેલા સાહિત્ય આર્કેડમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની ચોક્કસ ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને કોલ સેન્ટર ચલાવતા મુખ્ય સૂત્રધાર જીગ્નેશ ઝાલાહર સહિત બે મહિલાઓ અને પાંચ પુરુષો મળી કુલ સાત આરોપીઓની અટકાયત કરી હતી.
અમેરિકનોને ટાર્ગેટ કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ પાસે અમેરિકન નાગરિકોના લીડ ડેટા ઉપલબ્ધ હતા, જેના આધારે તેઓ ઈમેલ મારફતે લોન સેટલમેન્ટના મેસેજ મોકલતા હતા. અમેરિકન નાગરિકો સામે પોતે જાણીતી બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટ કરાવી આપવાના બહાને તેમની પાસેથી કરોડોના ડોલર પડાવવામાં આવતા હતા. આ બોગસ કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ અમેરિકન નાગરિકોને શિકાર બનાવીને રૂ. 38 લાખથી વધુની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે.
