સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીરનગર ડિમોલિશન કાંડમાં હવે તપાસનો તબક્કો પૂરજોશમાં આગળ વધી રહ્યો છે.એક બાજુ આજે હાઈકોર્ટમાં પ્રકરણની સુનાવણી થવાની છે.આજની સુનાવણી, ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના રિપોર્ટ અને વલણ પર મીટ મંડાયેલી છે.તો બીજી બાજુ તપાસ સમિતિએ વધુ આક્રમકતા દાખવવાની સાથે જ હવે વિવાદિત ડિમોલિશન સ્થળ નજીકના જ પ્રોજેક્ટના ડેવલપરોને તપાસમાં ઘેરામાં લીધા છે. તપાસ સમિતિએ હવે વિવાદિત જમીન પર પ્લાન મંજૂરી વિના પ્રોજેક્ટ ઊભો કરનારા ડેવલપરોને પણ કમિટીએ નિવેદન માટે હાજર રહેવા તાકીદ કરી છે.
ડેવલપરોને નિવેદન માટે તેડું મોકલ્યું
નાસીરનગર ડિમોલિશનમાં અસરગ્રસ્તો દ્વારા હાઇકોર્ટમાં દાખલ થયેલી પિટિશનની શુક્રવારે સુનાવણી થવાની છે.હાઈકોર્ટે સરકારને સમગ્ર મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા સૂચના આપેલી હોવાથી સરકારની બે સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા તૈયાર કરાઈ રહેલો અંતિમ તપાસ અહેવાલ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.એવામાં અગાઉ પાલિકાની તપાસ સમિતિ, સસ્પેન્ડ થયેલા અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ કર્મચારી-અધિકારીઓના નિવેદનો, પૂર્વ પોલીસ-પાલિકા કમિશનર બાદ હવે ડેવલપરોને નિવેદન માટે તેડું મોકલ્યું છે.
ડેપ્યુટી કમિશનરને પણ ફરીથી હાજર રહેવા બોલાવાયા
મળતી માહિતી મુજબ,કમિટીએ જમીન પર પ્લાન મંજૂરી વિના પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરનારા ડેવલપરો ઉપરાંત ડિમોલિશન કામગીરી માટે JCB મશીન ઉપલબ્ધ કરાવનાર કોન્ટ્રાક્ટર એજન્સીને પણ પૂછપરછ માટે બોલાવી છે.ડિમોલિશન વખતે વીજ કંપનીને વીજ પુરવઠો બંધ કરવા સેન્ટ્રલ ઝોનના ઈલેક્ટ્રિકલ વિભાગના કર્મચારી તરફથી કોલ કરાયો હતો. સેન્ટ્રલ ઝોનના કર્મચારી અને કંપની તરફથી ફોન રિસીવ કરનાર કર્મચારીના નિવેદન પણ લેવામાં આવશે.હવે આજે શહેર વિકાસ વિભાગના મહેકમ વિભાગના ડેપ્યુટી કમિશનરને પણ ફરીથી હાજર રહેવા બોલાવાયા છે.
સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ થાય તેવી શક્યતા
18 સપ્ટેમ્બરે કમિટીની મૂળ બે માસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધુ તપાસ જરૂરી હોવાનું જણાવી સમય વધારવાની માગણી કરવામાં આવી હતી. હવે તપાસનો અંતિમ તબક્કો પૂર્ણ થયા બાદ નજીકના દિવસોમાં સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ થાય તેવી શક્યતા છે. આમ નાસીરનગરના વિવાદમાં હવે હાઈકોર્ટની સુનાવણી અને તપાસ સમિતિના વલણ બંને બાબતો મહત્ત્વની સાબિત થાય એમ છે. આજે શુક્રવારે કેસમાં સુનાવણી થવાની હોય અને સાથે જ ડેવલપર અને અન્યોના નિવેદન લેવાના હોય શું થશે એ અંગે અધિકારી વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ