દેશની નાણાકીય સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરનાર નકલી કરન્સી નોટ (FICN) સર્ક્યુલેશન કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની અમદાવાદ બ્રાન્ચે વધુ એક સફળતા મેળવી છે. પંજાબ નેશનલ બેંક (PNB) ની સહારનપુર સ્થિત કરન્સી ચેસ્ટમાંથી મળેલા રૂપિયા 17.29 કરોડની નકલી નોટોના હાઇપ્રોફાઇલ કૌભાંડમાં NIA એ વધુ 2 કાવતરાખોરો મુકેશ કુમાર અને રાજેન્દ્ર કુમારની ધરપકડ કરી લીધી છે.

નકલી નોટ કૌભાંડમાં વધુ 2 આરોપીની ધરપકડ

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, પકડાયેલા બંને આરોપીઓ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર આદેશ ચૌધરીના અત્યંત નજીકના સાથીદારો છે. તેઓ દેશના વિવિધ ભાગોમાં નકલી નોટો પહોંચાડવા અને તેને અસલી કરન્સી તરીકે બેંકિંગ સિસ્ટમમાં ઘુસાડવાના કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.આ બહુચર્ચિત કેસમાં અગાઉ પણ NIA એ મોટી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી આદેશ ચૌધરી અને અમિત કુમારની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. તેમની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન ખુલાસો થયો હતો કે PNB ના 3 જેટલા બેંક કર્મચારીઓ પણ આ દેશદ્રોહી કાવતરામાં સામેલ હતા, જેઓ બેંકના કરન્સી ચેસ્ટમાં નકલી નોટો જમા કરાવવામાં મદદરૂપ બનતા હતા.

PNB ના 3 કર્મચારીઓની ભૂમિકા છતી થઈ

NIA એ સમગ્ર દેશમાં ફેલાયેલા આ નકલી નોટના રૅકેટનું મુળિયું કાઢવા માટે આગળની તપાસ વધુ ઝડપી બનાવી છે. આ રેકેટના તાર ક્યાંથી જોડાયેલા છે અને વિદેશી એજન્સીઓ કે સરહદ પારથી નોટોનો જથ્થો આવતો હતો કે કેમ, તે તમામ દિશામાં એજન્સી દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Anand: આંકલાવના નવાખલ સરપંચ દિલીપ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે સરપંચની ધરપકડ કરી