સુરતના વરાછા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ 2016માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 20થી વધુ લોકોનાં મોત થયા બાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રોહિબિશન કાયદામાં કડક સુધારા વિધેયક લાવીને તેનું સઘન અમલીકરણ કરવા અને મોટા કેસોમાં કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગને તાકીદ કરી હતી.જેમાં 10 વર્ષ સુધીની જેલની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રૂ.5 લાખથી વધુના દારૂના કેસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં 50 જેટલા ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં આજદિન સુધી એકપણ કેસમાં સજા થઈ નથી.
500નો દંડ ભરીને દારૂડિયાઓ છટકી જાય છે
બીજી તરફ 25 જેટલા ખાસ સરકારી વકીલોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હોવાનું જાણવા મળે છે.બીજી તરફ મોટાભાગના દારૂ પીવાના કેસોમાં પ્રથમ કેસ હોવાનું કોર્ટને કહીને રૂ.200 થી 500નો દંડ ભરીને દારૂડિયાઓ છટકી જાય છે.ગુજરાત સરકારે પ્રોહિબિશન કાયદામાં કડક સુધારા કરીને મોટા પ્રમાણમાં ખાસ કરીને રૂ.5 લાખ કે તેથી વધુ કિંમતના અથવા મોટા સિન્ડિકેટ અને સંગઠિત ગુનાઓ સાથે જોડાયેલા દારૂના કેસો માટે વિશેષ જોગવાઈઓ કરી હતી.આ ગંભીર કેસોમાં આરોપીઓને સખત સજા અપાવવા અને પ્રોસિક્યુશન પક્ષને મજબૂત કરવા માટે સરકાર દ્વારા અદાલતોમાં 50 જેટલા ખાસ સરકારી વકીલોની નિયુક્તિ કરવામાં આવી હતી.
