અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં લાંબા સમયના વિરામ બાદ આખરે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન ખોરવાય તે માટે આ વર્ગો તાત્કાલિક ધોરણે શરૂ કરાયા છે. વિદ્યાર્થીઓએ શાળામાં પરત ફરતા આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ઓનલાઈન અભ્યાસમાં ઘણી સમસ્યાઓ થતી હતી, જ્યારે પ્રત્યક્ષ (ઓફલાઈન) શિક્ષણ વધુ અસરકારક હોય છે. શાળામાં ફરીથી શરૂઆત થતાં વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેઓ સંપૂર્ણ તૈયારી સાથે વર્ગખંડમાં પાછા ફર્યા હતા.


મેટલ ડિટેક્ટર અને આર્મીમેનની તૈનાતી

વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શાળા સંચાલકો દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાના ટ્રેઝરરના જણાવ્યા અનુસાર, DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) દ્વારા આપવામાં આવેલા તમામ આદેશોનું કડક પાલન કરવામાં આવ્યું છે. શાળામાં પ્રવેશતા દરેક વિદ્યાર્થીની બેગને મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવી રહી છે, અને સુરક્ષા માટે આર્મીમેનની સિક્યુરિટી પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે શાળાના પરિસરમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. શાળા-તંત્રએ ખાતરી આપી છે કે બાળકોની સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા સંપૂર્ણ રીતે કરવામાં આવી છે.

અલગ પ્રવેશદ્વાર અને ઓબ્ઝર્વરની નિયુક્તિ

આ અંગે DEO રોહિત ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, શાળા સામેની તપાસ કમિટી દ્વારા ચાલુ રહેશે અને કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે. તેમણે સ્પષ્ટતા કરી કે અન્ય ધોરણના વર્ગો આગામી સમયે શરૂ કરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે તેમણે શાળા સંચાલકોને કોલેજ અને શાળા બંનેના પ્રવેશ દ્વારા અલગ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, એક ઓબ્ઝર્વર પણ શાળા સંચાલકો સાથે રહીને કામ કરશે, જેથી શિક્ષણ કાર્ય અને સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય નિરીક્ષણ થઈ શકે. આ પગલાં દ્વારા શાળામાં સુરક્ષિત અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


  • Follow us on: