મોંઘવારીના કારણે સામાન્ય, મધ્યમ વર્ગના લોકો ત્રસ્ત થયા છે. દાળ, ખાદ્ય તેલ, મસાલા અને ડુંગળી જેવી રોજિંદી જરૂરી વસ્તુઓના ભાવ સતત આસમાન આંબી રહ્યા છે. મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોનું રસોડાનું બજેટ તૂટી ગયું છે. સરકારી આંકડા અને બજાર બંને એક જ વાત કહે છે મોંઘવારીનો બોજ સામાન્ય માણસ પર પડી રહ્યો છે. જ્યારે સંગ્રહખોરો, કાળાબજારિયા અને નફાખોરી પર કડક અંકુશ દેખાતો નથી.
સંગ્રહખોરો -કાળાબજારિયાઓ બેફામ
ડુંગળીના ભાવ મે-2013માં 23 રૂ.પ્રતિકિલો હતા, જે ઓગસ્ટ-2026માં 84 રૂ.પ્રતિ કિલો એટલે કે 219.39 ટકાનો જંગી વધારો છતાં ડુંગળી પકવનારા ખેડૂતો રાતાપાણીએ રોવે છે.ભાવ મળતા નથી બીજી બાજુ સંગ્રહખોરો -કાળાબજારિયાઓ બેફામ લુંટ ચલાવી રહ્યા છે.પેટ્રોલ-ડીઝલ-સીએનજી-પીએનજી સહિતના ઇંધણમાં સતત વધારો ઝીંકવામાં આવ્યો છે.વર્ષ 2013માં ખાંડ રૂ.37/-પ્રતિ કિ.ગ્રા.હતી. જે ઓગસ્ટ 2026માં 84 રૂ.પ્રતિકિલો એટલે કે 127.03 ટકા જેટલા જંગી મોંઘવારી નોંધાઈ છે.
મધ્યમવર્ગના પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ
રોજિંદા જીવનમાં જરૂરી વિવિધ મસાલા નાની -મોટી એલચી, જાવંત્રી, જાયફળ, જીરુ, લાલ મરચું, હળદર, કાળા મરી, ગરમ મસાલામાં રૂ.150થી 400 રૂપિયા સુધીના જંગી વધારાથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.સંગ્રહખોરો અને કાળાબજારિયાઓ બેફામ ફરી રહ્યા છે. સરકાર તરફથી સમયસર કડક દરોડા અને બજાર હસ્તક્ષેપની અસર સામાન્ય દુકાન સુધી પૂરતા પ્રમાણમાં દેખાતી નથી. પહેલેથી જ લોન લઈને ઘર ચલાવતા પરિવારો પર આ બેવડો બોજ છે તેમ વિપક્ષે જણાવ્યું હતું.
ડુંગળીના ભાવમાં સતત વધારો
રાજકોટમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હાલ હોલસેલ બજારમાં સારી ગુણવત્તા અને સૂકી ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.બીજી તરફ રિટેલ બજારમાં ડુંગળીના ભાવ વધીને 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યા છે.જ્યારે ગત સપ્તાહે હોલસેલમાં ભાવ 35થી 45 રૂપિયા અને રિટેલમાં 55 થી 65 રૂપિયા પ્રતિ કિલો હતા.માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં જ ડુંગળીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયા સુધીનો મોટો ઉછાળો નોંધાતા સામાન્ય જનતાના રસોડાનું બજેટ ગરમાયું છે.સૂકી અને સારી ગુણવત્તા વાળી ડુંગળીના ઊંચા ભાવ બોલાઈ રહ્યાં છે.
મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી
મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી .બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તોલમાપ વિભાગમાં અપૂરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતું નથી.જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહ્યા છે.સામાન્ય દિવસોમાં લીંબુ રિટેલમાં રૂ.60 પ્રતિ કિલો મળતા હતા.પરંતુ છેલ્લા પંદર દિવસમાં બજારમાં લીંબુની આવક ઓછી થઈ જતાં હાલ હોલસેલમાં રૂ.130 પ્રતિ કિલો મળી રહ્યા છે.જ્યારે છૂટક લીંબુનો ભાવ રૂ.300 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.જ્યારે ડુંગળી પંદર દિવસ પહેલાં રૂ.20થી 30 પ્રતિ કિલો મળતી હતી તે અત્યારે રિટેલમાં રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.જ્યારે લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 40 સુધીનો વધારો થયો છે.
આ પણ વાંચોઃ Bhavnagar : મહુવાના બોડા ગામે ચારમઢવાળી માતાજીનો પુંજ ઉત્સવ ઉજવાયો