અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી સબ પોસ્ટ ઓફિસમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને લાંચરુશવત લેતાં મહિલા અધિકારીને ઝડપી પાડતાં સરકારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાલડી સબ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા પલ્લવી કિરણકુમાર ઉપાધ્યાય ફરિયાદી પાસે રૂ.  10,000 ની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે.

પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ACBની સફળ ટ્રેપ

મળતી વિગતો અનુસાર, આરોપી પલ્લવી ઉપાધ્યાયે ફરિયાદીનો NDC પાર્સલ કચેરી ખાતે ઓર્ડર ન કરવા માટે રૂ. 30,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી અને સબ પોસ્ટ માસ્ટર વચ્ચે થયેલી રકઝકના અંતે લાંચની રકમ રૂ. 10,000 આપવાનું નક્કી થયું હતું.ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે આ મામલે તાત્કાલિક એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સમગ્ર ઘટસ્ફોટ કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ અને તેમની ટીમે પાલડી સબ પોસ્ટ ઓફિસ ખાતે લાંચનું આયોજિત છટકું ગોઠવ્યું હતું.

મહેસાણા ACBની ટીમે ગોઠવ્યું છટકું

આયોજન મુજબ, ફરિયાદી જ્યારે સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાયને તેમના કાર્યાલયમાં રૂ. 10,000ની લાંચ આપવા ગયા અને તેમણે લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. એસીબીએ સ્થળ પરથી લાંચના રૂ. 10,000રોકડા રિકવર કર્યા છે અને આરોપી સબ પોસ્ટ માસ્ટર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે કર્યો સંવાદ