અમદાવાદમાં મકરબા,હેબતપુર પછી હવે પંચવટી જંક્શન ઉપર રૂ.101.92 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2011માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે શહેરના વિવિધ જંક્શન ઉપર રહેતા ટ્રાફિકને લઈ સર્વે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો.આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોને અભેરાઈએ ચડાવી દઈ મ્યુનિસિપલ કોર્પોરેશને IITRAM (ખોખરા)ના સૂચન પર અમલ કરીને કલાયઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં મોટો ફેરફાર કરી તેને અંદાજે 900 મીટર લાંબા ‘એલ’ શેપ સાથે બનાવવાનો નિર્ણય કર્યો હતો. 

ફ્લાયઓવરબ્રિજ બનાવવાની ભલામણ જ નહોતી

સી.આર.આર.આઈ.ના રિપોર્ટમાં પંચવટી જંક્શન ઉપર ફ્લાયઓવરબ્રિજ બનાવવાની ભલામણ જ નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપને કોઈપણ બ્રિજ સમયસર અને પ્લાનિંગ મુજબ પૂરો થાય એ વાતમાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે.આ બાબતને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને હોદ્દેદારો વર્ષ 2011થી અનુસરી રહ્યા છે.

15થી વધુ ટ્રાફિક જંક્શન ઉપર ફ્લાયઓવરબ્રિજ બની ગયા

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ 2011માં શહેરના 34થી વધુ ટ્રાફિક જંક્શન ઉપર ફ્લાયઓવરબ્રિજ બનાવવા કોર્પોરેશનને આપેલા રિપોર્ટમાં સૂચન કર્યું હતું.આ પૈકી 15થી વધુ ટ્રાફિક જંક્શન ઉપર ફ્લાયઓવરબ્રિજ બની ગયા છે.તેના રિપોર્ટમાં પંચવટી જંક્શન ઉપર ફ્લાયઓવરબ્રિજ બનાવવાનો ઉલ્લેખ જ નહોતો.તેના બદલે સી.આર.આર.આઈ.એ પરિમલ ગાર્ડન ક્રોસરોડ નજીક ફ્લાયઓવરબ્રિજ બનાવવા સૂચન કર્યું હોવાનું કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

સી.એન.વિદ્યાલય પાસે જ લેન્ડિંગ પોઇન્ટ,ટ્રાફિક સમસ્યા વધી જશે

ટ્રાફિક નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ, આ ફ્લાયઓવરબ્રિજની કામગીરી પૂરી થયા પછી ટ્રાફિક ઘટવાના બદલે વધી જશે, કેમ કે બ્રિજ જ્યાં પૂરો થાય છે તે સી.એન. વિદ્યાલય બ્રિજનું લેન્ડિંગ પોઇન્ટ છે. સી.એન. વિદ્યાલય પાસે વાહનોનું ભારણ ખૂબ વધી જશે, જેના કારણે ગ્રાઉન્ડ લેવલ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

મૂળ આયોજન અને ડિઝાઇનમાં ફેરફારને લઈ વિવાદ

આ બ્રિજના રૂટ પ્લાનિંગને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂઆતમાં સેન્ટ્રલ મોલ તરફ જતા બ્રિજનું આયોજન વિચારવામાં આવ્યું હતું. જોકે બાદમાં ખોખરા ખાતે આવેલ IITRAMના સૂચન પર અમલ કરવા અંદાજે 900 મીટર 'એલ' શેપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે રેડિસન બ્લુ હોટલ, લો-ગાર્ડનથી શરૂ થઈ ગીતા રાંભિયા સર્કલ અને પંચવટી ચાર રસ્તા થઈ સી.એન. વિદ્યાલયના ગેટ પાસે પૂરો થાય છે. આ રૂટ બદલવા અંગે નિષ્ણાંતો અને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ થઈ, આજથી ગરમી અને ઉકળાટનો અહેસાસ