અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર સૌથી ભવ્ય સ્તરે આયોજિત થનારા ‘પરંપરા’ નવરાત્રિ મહોત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગરબા શરૂ થવાના માત્ર એક જ દિવસ પહેલાં વિશાળ એસી ડોમ અચાનક ધરાશાયી થઈ જવાની બનેલી દુર્ઘટના બાદ આયોજકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલૈયાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં હવે આ કાર્યક્રમ બંધ એસી ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજવાનું નક્કી કરાયું છે. જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર રીલ અને નિવેદન શેર કરીને ગરબાના નવા શિડ્યુલની જાહેરાત કરી છે.
હવે 12 થી 20 ઓક્ટોબર દરમિયાન ગરબાનું આયોજન
આયોજકો અને ગાયક કિર્તીદાન ગઢવી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર નવરાત્રિનો પ્રારંભ હવે નિર્ધારિત તારીખના બદલે 12 ઓક્ટોબરથી કરવામાં આવશે.આ મહોત્સવ 12 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી સતત ચાલશે, જેથી ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો ન થાય.સ્થળમાં ફેરફાર કરતાં આયોજન હવે એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મના ખુલ્લા મેદાનમાં સંપન્ન થશે.
બે મહિનાની મહેનત બાદ ઊભો કરાયેલો AC ડોમ તૂટી પડ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, આયોજકો દ્વારા છેલ્લા બે મહિનાથી ભારે જહેમત ઉઠાવીને અત્યાધુનિક સુવિધાઓ સાથેનો ભવ્ય એર-કન્ડિશન્ડ ડોમ ઊભો કરવામાં આવ્યો હતો. અંદાજે 9 લાખ ચોરસ ફૂટના વિશાળ પરિસરમાં 12,000 જેટલા લોકો એકસાથે ગરબે રમી શકે તેવી મહાકાય ક્ષમતા સાથે આ ડોમ બનાવાયો હતો. ગરબાના પ્રારંભ પૂર્વે જ અણધાર્યા કારણોસર આખેઆખો ડોમ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે ગરબા શરૂ થયા પહેલાં જ બનાવ બનતાં સેંકડો ખેલૈયાઓની મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
ખેલૈયાઓની સુરક્ષા માટે ખુલ્લા મેદાનમાં શિફ્ટિંગ
ડોમ ધરાશાયી થતાં આયોજકોએ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું છે અને બંધ ડોમના સ્થાને ખુલ્લા આકાશ નીચે કુદરતી વાતાવરણમાં ગરબા યોજવાનો સુરક્ષિત વિકલ્પ પસંદ કર્યો છે. કિર્તીદાન ગઢવીના સૂર સાથે સુરતી અને અમદાવાદી ખેલૈયાઓ હવે 12 ઓક્ટોબરથી ગોપાલ ફાર્મ ખાતે કોઈપણ ભય વિના પરંપરા ગરબાની મજા માણી શકશે.
આ પણ વાંચો: Surat: આખા ગુજરાતના CCTV કેમેરા હવે એક જ સ્ટેજ પર જોડાશે; ગુનેગારોની દરેક હિલચાલ પર રહેશે બાજ નજર