અમદાવાદ શહેરમાં વધી રહેલી વસતીને કારણે વાહનોની સંખ્યા પણ વધી છે. બીજી તરફ શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ સતત વધી રહ્યું છે. આડેધડ પાર્કિંગને કારણે શહેરમાં અનેક ઠેકાણે ટ્રાફિકની પારાયણ જોવા મળી રહી છે. AMC દ્વારા પાર્કિંગ માટે અનેક પ્રયાસો શરૂ કરાયા છે તેની સાથે હવે શહેરમાં મેટ્રો રેલની મુસાફરી વધુ સુગમ બનાવવા માટે મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગ વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.શહેરમાં મેટ્રો સ્ટેશનો નજીક આવેલા કુલ 9 પ્લોટ પર 36890 ચોરસ મીટર વિસ્તારમાં 3 મુખ્ય ઝોન હેઠળ 5903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરાઈ છે.
એપેરેલ પાર્ક સ્ટેશન પાસેના પ્લોટ સામેલ
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગના દર નક્કી કરાયા બાદ આગામી બે મહિનામાં દિવાળી પહેલાં આ વ્યવસ્થા કાર્યરત થવાની શક્યતા છે.વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઝોનમાં સૌથી વધુ પાર્કિંગ ક્ષમતા પૂરી પડાઈ છે.જે કુલ ટુ-વ્હીલર ક્ષમતાના 52 ટકા હિસ્સો ધરાવે છે.પૂર્વ ઝોનમાં 17046 ચોરસ મીટરમાં ફેલાયેલા 4 પ્લોટમાં 3047 ટુ-વ્હીલર અને 127 ફોર-વ્હીલર માટે જગ્યા છે.જેમાં વસ્ત્રાલ ગામ (રામોલ),નિરાંત ક્રોસ રોડ (રતનપુરા ગામ તથા અર્પણ સ્કૂલ પાસે) અને એપેરેલ પાર્ક સ્ટેશન પાસેના પ્લોટ સામેલ છે.

