શહેરના નારોલ વિસ્તારમાં આવેલી 'મટન ગલી' માં રસ્તાઓની બિસ્માર હાલતથી સ્થાનિક પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ જ વિસ્તારમાં બે માસ અગાઉ ખાડામાં પડી જવાથી એક દંપતીનું કરુણ મોત થયું હોવા છતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બેદરકારી હજુ પણ યથાવત છે.
બે મોત છતાં તંત્ર નિષ્ક્રિય
નારોલ મટન ગલીમાં રોડ-રસ્તા તૂટેલા અને ઠેર-ઠેર મોટા ખાડાઓ જોવા મળે છે. બે મહિના પહેલાં ખાડાઓમાં પાણી ભરાયેલા હોવાને કારણે એક દંપતી ખાડામાં પડતાં મૃત્યુ પામ્યું હતું. આ અઘટિત અને કરુણ ઘટનાને બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, AMC દ્વારા રસ્તાઓની મરામત કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.










