વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જાહેર જીવન અને સુશાસનના 25 વર્ષ (મુખ્યમંત્રીથી વડાપ્રધાન) ની સફળ સફરને બિરદાવવા માટે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી રાષ્ટ્રવ્યાપી "સેવા સંકલ્પ અભિયાન" નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' એમ બે સમાંતર વિશાળ બાઇક યાત્રાઓ યોજાશે.
પીએમ મોદીના જન્મદિવસે ભાજપનો મોટો ધડાકો
રાષ્ટ્રીય પ્રભારી અને લોકસભા સાંસદ વી.ડી. શર્માના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે વડનગર ખાતેથી ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ યાત્રાને લીલી ઝંડી આપશે. જ્યારે કાશી (વારાણસી) ખાતેથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને ચિરાગ પાસવાન યાત્રાનો પ્રારંભ કરાવશે.
