ગુનેગારો પર અંકુશ મેળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અમદાવાદ પોલીસ કમિશનરે મિડનાઈટ એકશન પ્લાન તૈયાર કર્યો છે.જેમાં દરેક પોલીસ સ્ટેશનના 25 જેટલા પોલીસકર્મીઓ દરરોજ રાત્રે પેટ્રોલિંગ, નાકાબંધી અને કોમ્બિંગ કરીને ગુનેગારો તેમજ અસાધાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.શહેરમાં કુલ 49 પોલીસ સ્ટેશન આવેલા છે. ખાસ કરીને સિંધુભવન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સૌ.જી. રોડ, નિકોલ સહિત સમગ્ર શહેરમાં દારૂની મહેફિલો, ગેરકાયદે હથિયારો, હિસ્ટ્રીશીટરો, સ્ટંટ અને રેસિંગ કરતા નબીરાઓને ઝડપી પાડવા અને ગુનાહિત પવૃત્તિઓ પર અંકુશ મેળવવા સૌપથમવાર આ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. 

રાતના 12 વાગ્યાથી લઈને મોડી રાત સુધી નાકાબંધી 

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તૈયાર કરેલા ખાસ મિડનાઈટ એક્શન પ્લાનના ભાગરૂપે 49 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સર્વે કરીને 150 જેટલા હોટસ્પોટ શોધી કાઢવામાં આવ્યા છે.આવા હોટસ્પોટ પર પોલીસ રાતના 12 વાગ્યાથી લઈને મોડી રાત સુધી નાકાબંધી કરીને ચેકિંગ કરશે.આ ઉપરાંત,49 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિગ કરશે.જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી ૫ પેટ્રોલિંગ વાહનો અને 25 જેટલા પોલીસ અધિકારીથી લઇને કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાશે.

24 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે કોમ્બિંગ કરી 25 ગુનાઓ નોંધ્યા

નિકોલ, અમરાઇવાડી, ગોમતીપુરમાં ક્રાઇમ બ્રાન્ચની 200 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મેગા કોમ્બિગ ઓપરેશન હાથ ધર્યું હતું,જેમાં ડ્રગ્સ પેડલર્સ, બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોના ઘરો પર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન નાર્કોટિક્સનો 1, આર્મ્સ એક્ટનો 1, પ્રોહિબિશનના 9, વાહન ડિટેઇન 18 સહિત 25 ગુનેગારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ચેકિંગ 

ગુજરાતમાં સૌપ્રથમવાર આ પ્રકારનો નવતર પ્રયોગ શહેર પોલીસ કમિશનર દ્વારા અમલમાં મુકવામાં આવી રહ્યો છે.શહેરના 49 પોલીસ સ્ટેશનમાં પોલીસ પેટ્રોલિંગ, નાકાબંધી અને કોમ્બિગ યોગ્ય રીતે કરે છે કે નહીં તે તપાસવા પોલીસ કમિશનર,જોઈન્ટ પોલીસ કમિશનર,DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઓચિંતા પહોંચીને તપાસ કરશે.સરપ્રાઈઝ ચેકિંગ માટે નક્કી કરાયેલા હોટ સ્પોટ પર ઉચ્ચ અધિકારીઓ પ્રાઇવેટ વાહનોમાં આવીને પણ ચેકિંગ કરવાના છે. હોટસ્પોટમાં સૌથી વધારે પશ્ચિમ એરિયાનો સમાવેશ થયો છે. જેમાં નાઈટ કલ્ચર માટે જાણીતા વિસ્તારો એવા કે, સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ અને વેજલપુર જેવા વિસ્તારો પ્રમુખ છે.

આ પણ વાંચોઃ Halvad: હળવદની દીકરીએ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું