સાઉદી અરેબિયાના દમ્મામથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઈટના ટોયલેટમાંથી બોમ્બ લખેલું ટિશ્યૂ પેપર મળતાં સોમવારે સાંજે 4.22કલાકે અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાઇલટને આ અંગે જાણ થતાં તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાનને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાયું હતું. જોકે સુરક્ષા ચકાસણીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી જેને લઈને ફ્લાઈટમાં સવાર 32 મુસાફરો અને 8 કૂ મેમ્બર મળીને 40 લોકોને હાશકારો થયો હતો. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ મામલે તપાસ તેજ
અમદાવાદ એરપોર્ટ પર વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ મામલે એરપોર્ટ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ રેડ 4.30 એમ લખીને ધમકી આપવામાં આવી હતી, જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ધમકીભર્યો પત્ર કોણે લખ્યો છે તે શોધવા માટે પોલીસે અત્યાર સુધીમાં શંકાસ્પદ ગણાતા આશરે 40 જેટલા લોકોના અક્ષરના નમૂના લીધા છે અને આ દિશામાં વધુ સઘન તપાસ હાથ ધરી છે.
ફ્લાઈટ દમ્મામથી નવી દિલ્હી તરફ જઈ રહી હતી
એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઇ 170 દમ્મામથી નવી દિલ્હી તરફ જઈ રહી હતી ત્યારે વિમાનના ટોયલેટમાંથી કો-પાઈ લટને એક ટિશ્યૂ પેપર મળી આવ્યું હતું. આ ટિશ્યૂ પેપર પર ‘બોમ્બ” લખેલું હોવાનું ધ્યાનમાં આવતાં ઘટનાને ગંભીરતાથી લઈને પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાયું હતું અને સાંજે આશરે 4.22 કલાકે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ સીઆઈએસએફ સહિત એરપોર્ટની વિવિધ સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સંબંધિત ટીમો દ્વારા વિમાનની અંદરનો દરેક ભાગ, મુસાફરોનો સામાન અને અન્ય સંભવિત સ્થળોની તપાસ કરાઈ હતી. કલાકોની તપાસના અંતે કોઈ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી ન મળતાં મુસાફરો અને એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચોઃ Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર