અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન અમદાવાદ પોલીસ માત્ર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જ નહીં પરંતુ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પ્રશંસાને પાત્ર બની છે.રથયાત્રાના વિશાળ જનમેદની વાળા રૂટ પર દર્શનાર્થીઓની સુવિધા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ 17 જન સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.આ કેન્દ્રો અને પોલીસ કર્મચારીઓની સતર્કતાના કારણે રથયાત્રા દરમિયાન ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા કુલ 64 માસૂમ બાળકોને શોધી કાઢીને તેમના પરિવારો સાથે હેમખેમ મિલન કરાવવામાં આવ્યું હતું.

પોલીસે વિખુટા પડેલા બાળકોને શોધી કાઢ્યા

અમદાવાદ પોલીસના જુદા જુદા ઝોન અને સ્ટેશનો દ્વારા આ કામગીરી અત્યંત ત્વરિત ગતિએ કરવામાં આવી હતી.જેમાં સૌથી વધુ ગાયકવાડ હવેલી વિસ્તારમાંથી 41 બાળકોને પોલીસે શોધી કાઢીને ગણતરીના કલાકોમાં તેમના માતા પિતાને સોંપ્યા હતા.આ ઉપરાંત શહેરકોટડા વિસ્તારમાંથી 21 બાળકોને અને કાલુપુર તેમજ શાહપુર વિસ્તારમાંથી 2 બાળકોને શોધીને તેમના પરિવાર સુધી પરત પહોંચાડવામાં આવ્યા હતા.

વાલીઓની આંખોમાં ખુશીના આંસુ

અમદાવાદમાં યોજાયેલી રથયાત્રાના રૂટ પર ભીડભાડ વાળા માહોલમાં પોતાના વહાલસોયા બાળકો ગુમ થતાં જે પરિવારોના જીવ અધ્ધર થઈ ગયા હતા તેમને સહીસલામત પરત મેળવીને વાલીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.અમદાવાદ પોલીસની આ ત્વરિત કામગીરી અને સંવેદનશીલતાના કારણે રથયાત્રાના રૂટ પર પોલીસની સુરક્ષા સાથે માનવતાનું કર્તવ્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું જેની ચારેતરફ સરાહના થઈ રહી છે.

આ પણ વાંચોઃ India News: વડાપ્રધાન મોદીએ પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા, જુઓ Video