દેશભરમાં મેડિકલના અભ્યાસક્રમોમાં એડમિશન મેળવવા માટેની અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી NEET ની પરીક્ષા આવતીકાલે અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહી છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ, નકલ કે પેપર લીક જેવી નકારાત્મક પ્રવૃત્તિઓ ન થાય અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક માસ્ટર સિક્યુરિટી પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 23 નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


સેન્ટરો બહાર મૂવિંગ કેમેરા અને ડ્રોનનું નેટવર્ક

આ વર્ષે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી તમામ ૨૩ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસની ગતિવિધિઓનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. દરેક સેન્ટરની બહાર ખાસ 'મૂવિંગ સીસીટીવી કેમેરા' લગાવવામાં આવ્યા છે, જે શંકાસ્પદ હલચલને તુરંત પકડી પાડશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની બહાર ભીડ એકત્ર ન થાય અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય તે માટે 8 અત્યાધુનિક ડ્રોન કેમેરા આકાશમાંથી સતત પેટ્રોલિંગ કરશે. રાષ્ટ્રીય સ્તરની એજન્સી NTA ની તમામ કડક ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ દેખાઈ રહ્યું છે.

પેપર લાવવા-લઈ જવા માટે ખાસ પ્રોટેક્શન

પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે સરકારી ટ્રેઝરી અથવા મુખ્ય સેન્ટર પરથી પ્રશ્નપત્રોને સંબંધિત ૨૩ કેન્દ્રો સુધી સુરક્ષિત પહોંચાડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા સ્પેશિયલ એસ્કોર્ટ (સુરક્ષા વાહનોનો કાફલો) અને ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ મેગા ઓપરેશનમાં કોઈ ખામી ન રહી જાય તે માટે ૬ ડીસીપી અને ૧૫ પીઆઈ કક્ષાના અધિકારીઓ સીધા ગ્રાઉન્ડ પર મોનિટરિંગ કરશે. વળી, વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં ટ્રાફિક ન નડે તે માટે ૧૫ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમોને પણ રોડ કલિયરન્સ માટે તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: CTM બ્રિજ પર આપઘાત કરવા ચડેલા યુવકને રાહદારીઓએ જીવના જોખમે બચાવ્યો

  • Follow us on: