અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત અને શૈક્ષણિક ધામ ગણાતા ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલતે વાહનચાલકોની કમર તોડી નાખી છે. IIM (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) થી ગુજરાત યુનિવર્સિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ચોતરફ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. દરરોજ આ મહત્વના માર્ગ પરથી હજારો વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્થાનિક નાગરિકો પસાર થાય છે, પરંતુ મનપા તંત્ર કે યુનિવર્સિટી સત્તાધીશોને આ રોડનું યોગ્ય સમારકામ કરવામાં કોઈ રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ચોમાસામાં અકસ્માતનો મોટો ભય

સ્થાનિક વાહનચાલકો અને વિદ્યાર્થીઓનો આક્રોશ છે કે છેલ્લા 2 વર્ષથી આ રસ્તાની સ્થિતિ આવી જ દયનીય બનેલી છે. ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રસ્તા પરથી સુરક્ષિત પસાર થવું હોય તો અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડે છે. કોઈપણ સમયે નાનો-મોટો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

મનપા દ્વારા માત્ર થીગડાં મારી કાગળ પર સંતોષ

અમદાવાદ મહાનગરપાલિકાના રોડ વિઝન અને પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે તંત્ર દ્વારા આ રોડ પર માત્ર થીગડાં (પેચવર્ક) મારીને સંતોષ માનવામાં આવે છે. ચોમાસું પૂરું થયા બાદ થોડોક ડામર નાખીને કામ પતાવી દેવાય છે, જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જાય છે. આ કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને બિસ્માર રસ્તાનું નવેસરથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકો અને વાહનચાલકો કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો