ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગરમીનો પારો ઊંચકાયો છે. વહેલી સવારે ઠંડી અને ત્યાર બાદ ગરમીની અસર વર્તાઈ રહી છે. રાતના સમયે પણ બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે વીજ માગમાં વધારો થયો છે. હાલમાં ચાલી રહેલી નવરાત્રિને કારણે રાજ્યમાં ઠેર ઠેર ગરબાના આયોજનો થતાં હોય છે. રાસ ગરબાના કારણે વીજ વપરાશમાં વધારો થયો છે. બીજી તરફ વીજ ઉત્પાદન ખપત કરતાં ઓછું હોવાથી વીજળીની અછત ઉભી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક એકમોમાં વીજકાપ મુકતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં પીક અવર્સ દરમિયાન વીજળીની માંગમાં મોટો વધારો થતાં ગ્રીડની સુરક્ષા અને યોગ્ય લોડ મેનેજમેન્ટ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પણ વીજકાપ 

રાજ્યભરના ગ્રામીણ વિસ્તારો અને ખેતી ક્ષેત્રે પણ વીજ સંકટની વિષમ સ્થિતિ નિર્માણ પામી છે.ગામડાઓમાં વીજળીના પુરવઠામાં મોટા પાયે અનિયમિતતાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પણ વીજકાપ થતો હોવાથી સામાન્ય પ્રજા અને ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.ખેડૂતોના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવતા કિસાન સંઘ દ્વારા આ અઘોષિત વીજકાપ સામે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.આ પરિસ્થિતિ વચ્ચે કહેવાતા ખેડૂત આગેવાનો અને ચૂંટાયેલા ધારાસભ્યોનું રહસ્યમય મૌન ખેડૂતોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.શહેરોમાં આવો વીજકાપ જોવા મળતો નથી અને મોટાભાગના ધારાસભ્યો પોતે શહેરોમાં રહેતા હોવાથી તેમના મોઢા સિવાઈ ગયા હોવાની લાગણી પ્રવર્તે છે.

છેક દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો

ગુજરાતમાં વધી રહેલી વીજ કાપની સ્થિતિને પહોંચી વળવા માટે છેક દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગુજરાત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દિલ્હી પહોંચી પાવર સહિતના વિભાગો સાથે બેઠક યોજી છે.રાજ્યને કોલસાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે. જામનગર, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, પાટણ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા ઓદ્યોગિક એકમોમાં વીજ કાપ આવી જવાથી ઉત્પાદન પર અસર થવા પામી છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ નવરાત્રિ ટાણે જ વીજ કાપ મુકાતા લોકોને ગરબા અને માતાજીની ભક્તિમાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. 

શાસક પક્ષમાં પણ અસંતોષની લાગણી

સમગ્ર રાજ્યમાં વીજ કટોકટી વધુ ઘેરી બનતાં શાસક પક્ષમાં પણ અસંતોષની લાગણી બહાર આવી રહી છે.પાટણ જિલ્લામાં સર્જાયેલા ગંભીર વીજકાપના મામલે ભાજપના જ સાંસદ ભરતસિંહ ડાભીએ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે.સાંસદે પોતાના પત્રમાં પાટણ જિલ્લામાં ખાસ કરીને સાંજના સમયે લાદવામાં આવતા અઘોષિત વીજકાપને તાત્કાલિક ધોરણે કાયમી રીતે દૂર કરવા સ્પષ્ટ માંગણી કરી છે.સાંસદના આ પત્રમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર નવરાત્રિના ઉત્સવ દરમિયાન પણ મોટા પાયે વીજકાપ કરવામાં આવ્યો હતો.વીજકાપના પરિણામે સમગ્ર જિલ્લાના સ્થાનિક નાના-મોટા વેપારીઓ,દૂધ ઉત્પાદકો તેમજ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ઔદ્યોગિક પ્લાન્ટ ફરજિયાતપણે બંધ રાખવાના રહેશે

જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજળીના વપરાશ પર અંકુશ મૂકવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.પીક અવર્સ દરમિયાન વીજળીની માંગમાં અસાધારણ ઉછાળો નોંધાતાં પાવર ગ્રીડની સુરક્ષા જાળવી રાખવા તેમજ લોડ મેનેજમેન્ટને સંતુલિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.આ નવા નિયમ અંતર્ગત હવેથી દર શુક્રવારે ઉદ્યોગોમાં સળંગ 7 કલાકનો વીજકાપ અમલી બનાવવામાં આવશે.સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દર શુક્રવારે બપોરે 4 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી તમામ ઔદ્યોગિક પ્લાન્ટ ફરજિયાતપણે બંધ રાખવાના રહેશે.

જામનગરમાં ઔદ્યોગિક એકમો માટે ફતવો જાહેર કરાયો

ગ્રીડ સિસ્ટમ ખોરવાય નહીં તે માટે નિર્ધારિત કરવામાં આવેલા આ નિયમોનું ચુસ્તપણે પાલન ન કરનારા એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં ઉદ્યોગકારોને વીજ કાપને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે PGVCLના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે શહેરમાં દર શુક્રવારે કારખાનાઓ બંધ રાખવાના નિયમને ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.જેથી જો આજથી કોઈ કારખાનેદાર કે ઉદ્યોગકાર શુક્રવારે સાંજે 4 થી 11 દરમિયાન પોતાનું યુનિટ ચાલુ રાખશે તો તે સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવશે અને જો આગામી શુક્રવારે પણ યુનિટ ચાલુ જોવા મળશે તો PGVCL કચેરી દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન વીજકાપથી હોબાળો મચ્યો

મહેસાણાના વિસનગરમાં નવરાત્રિ દરમિયાન વીજકાપથી હોબાળો મચ્યો હતો.સાંજના સમયે 3થી 4 વાર ટ્રિપિંગથી અંધારપટ થતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.સાંજના સમયે દૂધ મંડળીઓમાં લાઈટો ન હોવાથી પશુપાલકોની લાંબી કતારો લાગતા મુશ્કેલી વધી છે.વહેલી તકે નિરાકરણ આવે તેવી લોકોમા માગ ઉઠી છે.બનાસકાંઠાના ઓગડના થરા વિસ્તારમાં પૂરતી વીજળી ન મળતા ખેડુતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.ખેડૂતે થરા સબ સ્ટેશનમાં ફોન કરી રજૂઆત કરતા તેમની વાત ન સાંભળતા ખેડૂતે ઝેટકોમાં સીનાડ સબ સ્ટેશનમાં ફોન કર્યો હતો.ખેડૂતે સબ સ્ટેશનમાં કોલ કરી અધિકારી સાથે વાત કરી હતી. ખેડુતએ વીજળી કેમ કાપી પુછતા અધિકારીએ કહ્યું કે આગળથી જ અમને બંધ કરાવે છે. ખેડુતએ પોણા બે કલાક વીજળી ઓછી આપી તેવું લેખિત માંગતા અધિકારી એ જવાબ આપવામાં ગલ્લાં તલ્લા કર્યા હતા. 

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં બે પાર્ટી પ્લોટમાં ગરબા રમતા ચાર વિધર્મી પકડાયા, ચારેયને પોલીસને સોંપાયા