અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે વિરોધ દર્શાવતા અને લડાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા સમર્થકોએ ઉગ્ર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. દેશભરમાં સતત સામે આવી રહેલી પેપર લીકની ઘટનાઓ સામે વિરોધ નોંધાવતા પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. સમર્થકોએ વેજલપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈને હલ્લાબોલ કર્યો હતો અને પોલીસ સ્ટેશન બહાર જ વિરોધ પ્રદર્શન ચાલુ રાખીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

પ્રદર્શનકારીઓએ આઝાદી હમ લે કે રહેંગે જેવા સુત્રો પોકાર્યા

અમદાવાદના એમજે લાઈબ્રેરી બહાર પ્રદર્શનકારીઓએ આઝાદી હમ લે કે રહેંગે જેવા નારા પોકારતાં પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે એક્શનમાં આવેલી પોલીસે વિરોધ કરનારાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. એમ.જે. લાયબ્રેરીથી પતંગ સુધી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. લોકો એમ.જે લાયબ્રેરીથી ચાલતા પતંગ હોટલ તરફ વળ્યા હતાં. એલિસબ્રિજથી ભગાડવામાં આવતા યુવાનો જ પતંગ હોટલ પાસેના સર્કલ પર જઈને વિરોધ દર્શાવવી રહ્યા છે. સુરતના લાલ ઘોડા સર્કલ ખાતે વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. સુરત કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસ્વીરો પકડીને અને 'ઇન્કલાબ જિંદાબાદ' ના પ્રચંડ નારાઓ લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આપ નેતા ઈસુદાન ગઢવીનું દિલ્હી આંદોલન પર નિવેદન

દિલ્હી ખાતે યોજાયેલા આંદોલન અને પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના જાગૃત અને લાખો 'GenZ' યુવાનોએ 20 જુલાઈના દિવસને એક ઐતિહાસિક દિવસ બનાવી દીધો છે. પોલીસ કે કોઈ પણ તાનાશાહી આ યુવાનોના બુલંદ અવાજને ડરાવી કે દબાવી શકી નથી. પેપર લીકની ઘટનાઓથી નારાજગી વ્યક્ત કરતા ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, સતત પેપર લીક થવાના કારણે દેશના કરોડો પીડિત પરિવાર અને યુવાનોના ઘરોમાં માતમ છવાઈ ગયો છે. અત્યાર સુધીમાં ૨૫થી પણ વધુ પેપર લીકના બનાવો બનવા છતાં હજુ સુધી કોઈ સામે કડક સજાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી ગંભીર બેદરકારીઓ છતાં શિક્ષણ મંત્રીનું રાજીનામું કેમ લેવામાં આવતું નથી?

આ પણ વાંચોઃ Kachchh News: વરસાદ ખેંચાયો છતાં જિલ્લાના ખેડૂતોએ 68250 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું