અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરોની સુરક્ષા માટે તૈનાત રહેતી રેલવે પોલીસ ક્યારેક કાયદાનો ભંગ કરનારા સામાન્ય લોકોની સાથે-સાથે વગદારોના ટાર્ગેટ પર પણ આવતી હોય છે. આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો અમદાવાદ રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો હતો, જ્યાં એક માથાભારે શખ્સે કાયદાના રક્ષકો પર જ પોતાનો ખોટો પાવર બતાવવાનો લાઈવ પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ કે ડેપો વિસ્તારમાં સામાન્ય બાબતે ફરજ પરના પોલીસકર્મીઓ સાથે આ શખ્સે બબાલ શરૂ કરી હતી.
મોબાઈલમાં IPS નો ફોટો અને બદલીની ધમકી
વાત વધતા જ આ શખ્સે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના પોતાના સ્માર્ટફોનમાં એક ઉચ્ચ આઇપીએસ (IPS) અધિકારી સાથેનો પોતાનો ફોટોગ્રાફ પોલીસકર્મીઓને લાઈવ બતાવ્યો હતો. તે પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સીધો જોડાયેલો છે અને પળવારમાં આખા સ્ટાફને લાઈનહાજર કરાવી દેશે તેમ કહી દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે રેલવે પોલીસે કાયદેસરની પ્રક્રિયા ચાલુ રાખી ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઓન-ડ્યુટી પોલીસ જવાનોના શર્ટ અને યુનિફોર્મ પકડીને ખેંચતાણ કરી હતી. જાહેરમાં ગાળો આપીને "તમારી 2 મિનિટમાં ટ્રાન્સફર કરાવી દઈશ" તેવી ગર્ભિત ધમકીઓ આપીને હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો.










