અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય અકળામણ બાદ હવામાનમાં પલટો આવ્યો છે. વિરમગામ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. દિવસભરના ભારે તડકા, અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને રાત્રિ દરમિયાન શરૂ થયેલા આ ગાજવીજ સાથેના વરસાદે મોટી રાહત આપી છે. અચાનક બદલાયેલા આ હવામાનના પગલે સમગ્ર પંથકમાં પ્રસરી ગયેલી ઠંડકથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હાંસલપુર, સોકલી સહિતના ગામડાઓમાં જમાવટ
વિરમગામ તાલુકાના અંતરિયાળ અને મુખ્ય એવા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાંસલપુર, સોકલી, રહેમલપુર અને ભોજવા તેમજ વલાણા, ડુમાણા અને નીલકી પંથકમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાવણી લાયક વરસાદની આશામાં બેઠેલા ધરતીપુત્રોમાં પણ આ સતત બીજા દિવસના વરસાદી માહોલને પગલે ખુશીની લહેર દોડી ગઈ છે.













