રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર વહેલી સવારે એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માત સર્જાતાં રહી ગયો છે. રાજકોટથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં હાઈવે પર આવેલા ભાયલા બ્રિજ નજીક એકાએક આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે ડ્રાઈવર અને પોલીસની સમયસૂચકતાથી બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી.

40થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, 'તુલસી ટ્રાવેલ્સ' નામની ખાનગી લક્ઝરી બસ રાજકોટથી મુસાફરોને લઈને નિયત સમયે અમદાવાદ જવા નીકળી હતી. બસ જ્યારે ભાયલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને ક્ષણભરમાં જ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. બસમાં તે સમયે 40થી વધુ મુસાફરો સવાર હતા, આગ લાગતાં જ બસની અંદર ભારે નાસભાગ અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો. મુસાફરો તાત્કાલિક સામાન છોડી બારી-દરવાજાથી બહાર દોડી આવ્યા હતા.

112 PCR અને ફાયર બ્રિગેડ તાબડતોબ ઘટનાસ્થળે

આ ઘટનાની જાણ થતાં જ કેરાળા બ્રિજ નજીકની 112 ઇમરજન્સી PCR વાન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસે તાબડતોબ નજીકની ખાનગી કંપનીની ફાયર ફાયટર ટીમને એલર્ટ કરી બોલાવી લીધી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ફરજ પર હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક મોરચો સંભાળીને ટ્રાફિક વ્યવહારને ડાયવર્ટ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા કે જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: Surat: દક્ષિણ ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેન શરૂ; અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જાણો તમામ ફીચર્સ