સરકાર દ્વારા લોકો માટે બનાવવામાં આવેલા આવાસને ભાડે આપવા અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો આવાસ ધરાવતા હોય છે તે લોકો મકાન ભાડે આપી દેતા હોય છે. સરકાર સામે આ બાબત અવારનવાર ધ્યાને આવતી હોવાથી હવે આવાસના મકાનો ભાડે આપનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં યોજનાના મકાનોને લઈને સાત વર્ષ સુધી ભાડે નહીં આપવાના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.
મકાનને 90 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે
અમદાવાદમાં સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવેલા આવાસના મકાનો ભાડે આપનારા મકાનમાલિકો સામે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમ મુજબ આવાસ ફાળવ્યા બાદ 7 વર્ષ સુધી તેને ભાડે આપી શકાતું નથી.પરંતુ જો આ નિર્ણયનું ઉલ્લંઘન કરીને મકાન ભાડે આપવામાં આવશે તો પ્રથમવાર નિયમભંગ કરનાર મકાનમાલિકને ઓછોમાં ઓછો રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવશે અને સાથે જ તે મકાનને 90 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે.
