સમગ્ર રાજ્યમાં આજે 7 ઓક્ટોબર બુધવારથી મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના લીધે રૂટિન કામગીરી ખોરવાશે અને હજારો અરજીઓ અટકશે. બુધવારે કલેક્ટર કચેરીઓની બહાર ધરણા પણ યોજાશે.અમદાવાદમાં રોજ આવતી 6 હજારથી વધુ અરજીઓને સીધી અસર થશે.બીજી તરફ હડતાળને તોડવા અમદાવાદમાં ૫૮ ડેપ્યુટી મામલતદારોની રાતોરાત બદલી કરાતાં વિવાદ સર્જાયો છે.

બદલી કરીને હડતાળ તોડવાનો પ્રયાસ કરાયો

મંડળના મહામંત્રી કૌશિક સોલંકીએ જણાવ્યું હતું કે,રાજ્યના 6 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓની ન્યાયપૂર્ણ માંગણીઓને દબાવવાના હેતુથી અમદાવાદ કલેક્ટર દ્વારા વહીવટી સરળતાના નામે મંડળના હોદ્દેદારો સહિતના ડેપ્યુટી મામલતદારોની દ્વેષપૂર્ણ બદલી કરવામાં આવતાં કર્મચારીઓમાં વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ બદલીઓને કર્મચારીઓએ હડતાળના મુખ્ય મુદ્દા તરીકે સ્વીકારીને સંગઠિત વિરોધ નોંધાવ્યો છે. 6થી 8 મહિના પહેલાં જિલ્લા બદલી થઈને આવેલા ડેપ્યુટી મામલતદારોની હાલ ફરી બદલી કરીને હડતાળ તોડવાનો પ્રયાસ કરાયો છે. 

મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટર જવાબદાર

અગાઉ જિલ્લા બદલીથી આવ્યા બાદ રેવન્યુ તલાટી,રેવન્યુ ક્લાર્ક અને ડેપ્યુટી મામલતદારોને ત્રણથી ચાર મહિના સુધી નિમણૂક પ્રતીક્ષા હેઠળ રોકી રખાયા હતા અને પગાર પણ ચૂકવ્યા ન હતા. ત્યારે વહીવટી સરળતા ક્યાં ગઈ હતી?જો આ બદલીઓના આદેશો તાત્કાલિક પરત ખેંચવામાં નહીં આવે તો આગામી તા. 7મીથી રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ વધુ આક્રમકતાથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઊતરશે.આ નિર્ણયને પરિણામે વહીવટી તંત્રમાં સર્જાતી કોઈપણ અસુવિધા માટે મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટર જવાબદાર રહેશે.

અરજદારોને ધરમધક્કા ખાવા પડશે

સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલને લીધે જમીનની નોંધણી (નામ તબદીલી), વારસાઈ નોંધ, ઈ-ધરા કેન્દ્રની કામગીરી અને ખેતી વિષયક દાખલાઓ, જાતિ, આવક, નોન-ક્રીમીલેયર તેમજ અન્ય આવશ્યક સરકારી પ્રમાણપત્રો મેળવવામાં વિદ્યાર્થીઓ અને અરજદારો ભારે મુશ્કેલીમાં મૂકાશે. કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં સરકારી પરવાનગીઓ, બિનખેતી (NA) મંજૂરીઓ અને વિવિધ સનદ મેળવવાની ફાઈલોના કામ સહિત હકપત્રકની નોંધોના નિકાલની કામગીરી અટવાઈ પડશે અને અરજદારોને ધરમધક્કા ખાવા પડશે.