અમદાવાદમાં ચોમાસા પૂર્વેના તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ ખોખલા સાબિત થયા છે. શહેરના વંદે માતરમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને રસ્તાની ગુણવત્તાના અભાવે મુખ્ય માર્ગ જ બેસી ગયો છે. રસ્તો ધસી પડવાને કારણે એક કાર આકસ્મિક રીતે ખાડામાં ગરકાવ થઈ ગઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની આ દયનીય અને જોખમી હાલત તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. રસ્તો બેસી જવાથી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
ગોતા વિસ્તારમાં રોડ ધોવાઈ ગયો
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. જેમાં ખાસ કરીને ગોતા વિસ્તારમાં રોડ ધોવાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે રોડ છે કે ખાડા, તે ઓળખવું પણ મુશ્કેલ બન્યું છે. જેના લીધે અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા રોડ મજબૂતીના તમામ દાવાઓ પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થયા છે.વરસાદ તો બંધ થયો છે પણ પાણી ભરાયેલા છે. ત્રાગડ પાસે પાણી ભરાયા છે. પાણીમાં થઈને વાહનો પસાર થઈ રહ્યાં છે. પાણી નિકાલની વ્યવસ્થા ના હોવાથી સમસ્યા સર્જાઈ છે.
