સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને નકલી વટ પાડવા માટે કાયદાના લીરેલીરા ઉડાડતા નબીરાઓ સામે અમદાવાદ શહેર પોલીસે સપાટો બોલાવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાની સ્કોર્પિયો કાર પર ગેરકાયદેસર રીતે 'પોલીસ' લખેલું બોર્ડ લગાવી, જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતા શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થતાં જ હરકતમાં આવેલી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં બોપલ-ઘુમા રોડના રહેવાસી કિશન ભાલોડિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સ્કોર્પિયો પર 'પોલીસ' લખી જાહેરમાં ફટાકડા ફોડ્યા

ઘટનાની વિગતો અનુસાર, કાયદાનો કોઈ ડર ન હોય તેમ આરોપીએ જાહેરમાં તમાશો કર્યો હતો.સાબરમતી રિવરફ્રન્ટ જેવા અતિસંવેદનશીલ અને જાહેર વિસ્તારમાં સ્કોર્પિયો કાર પાર્ક કરીને મધ્યરાત્રિએ ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી.સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ખાનગી સ્કોર્પિયો કાર પર સત્તાવાર વાહનોની જેમ ગેરકાયદેસર રીતે 'પોલીસ' (POLICE) લખેલું બોર્ડ લગાવેલું હતું.જાહેરમાં ધાણીફૂટ અવાજે ફટાકડા ફોડી નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરતો અને ટ્રાફિકને અડચણરૂપ બનતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રીલ તરીકે વહેતો કરવામાં આવ્યો હતો.

CCTV ફૂટેજના આધારે બોપલ-ઘુમાના કિશન ભાલોડિયાની ઓળખ થઈ

વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતાં જ તપાસના આદેશ છૂટ્યા હતા.સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકની ટીમે વાઇરલ વીડિયો અને રિવરફ્રન્ટ પર લાગેલા સર્વેલન્સ સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી.વાહનના નંબર અને રૂટ ટ્રેસ કરતાં આ કાર બોપલ-ઘુમા રોડ પર રહેતો કિશન ભાલોડિયા ચલાવી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસે તાત્કાલિક દરોડો પાડી કિશન ભાલોડિયાને સ્કોર્પિયો કાર સાથે ઝડપી લીધો હતો.

પોલીસ સમક્ષ ગુનો કબૂલ્યો, વિવિધ કલમો હેઠળ કાર્યવાહી

પોલીસ કસ્ટડીમાં આવતાં જ આરોપીનો તમામ રોફ ઉતરી ગયો હતો.પૂછપરછ દરમિયાન આરોપી કિશન ભાલોડિયાએ સ્કોર્પિયો કાર પર વટ મારવા માટે ગેરકાયદે પોલીસનું બોર્ડ લગાવ્યું હોવાની અને રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડી બર્થડે ઉજવ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે કમિશનરના જાહેરનામાનો ભંગ, ગેરકાયદેસર રીતે પોલીસ પ્રતીક/બોર્ડનો દુરુપયોગ તેમજ જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી વાહન જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: આંબેડકરનગર સર્કલ પાસે સમાધાન કરવા બોલાવી યુવકની ઘાતકી હત્યા, 1 સગીર સહિત 3 ઝડપાયા!