અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. યુએનએમ ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપની સખાવતી શાખા) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સંયુક્ત ઉપક્રમે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે નવનિર્મિત ‘હેરીટેજ પાર્ક’નું ભવ્ય વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના હસ્તે રવિવારે આ આધુનિક લીનીયર પાર્ક નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

નવનિર્મિત ‘હેરીટેજ પાર્ક’નું ભવ્ય વર્ચ્યુઅલ લોકાર્પણ

સાબરમતી નદી પર સ્વામી વિવેકાનંદ બ્રિજ અને નહેરુ બ્રિજની મધ્યમાં, જમાલપુર વોર્ડ (સેન્ટ્રલ ઝોન) ખાતે આશરે 20,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આ પાર્ક પથરાયેલો છે. રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પાર્ક યુએનએમ ફાઉન્ડેશનના ‘પ્રતીતિ’ ઉપક્રમ હેઠળ વિકસાવવામાં આવેલું શહેરનું ૧૨મું જાહેર ઉદ્યાન છે. આ પાર્કની ભૌગોલિક વિશેષતા એ છે કે તેની પૃષ્ઠભૂમિમાં ઐતિહાસિક ભદ્રનો કિલ્લો નજરે પડે છે.

સર્કસ ટેન્ટ સર્કલ 

વર્ષ 2000 સુધી ઉનાળાના વેકેશન દરમિયાન સાબરમતી નદીના સૂકા પટમાં સર્કસના ટેન્ટ લાગતા જે મનોરંજનનું કેન્દ્ર હતા. આ સ્થાપત્ય અમદાવાદીઓની એ જૂની યાદોને તાજી કરે છે.

અમદાવાદના રાજવાંશોનું સર્કલ

ભીલ જાતિઓ, ચાલુક્યો, સલ્તનત, મુઘલો, મરાઠાઓ, બ્રિટિશરો અને આઝાદી પછીની લોકશાહી સુધીના શાસકોના પ્રદાનને આ વર્તુળમાં સ્ટીલ ક્રાફ્ટના નમૂનાઓ દ્વારા વાર્તા સ્વરૂપે કંડારવામાં આવ્યું છે.

શહેરની ઉત્ક્રાંતિ દર્શાવતું સર્કલ 
 સમય સાથે અમદાવાદનું સામાજિક અને આર્થિક કેન્દ્ર નદી કિનારેથી દક્ષિણ તરફ બદલાતું રહ્યું, પરંતુ પૂર્વ અને પશ્ચિમને જોડતું ભૌગોલિક કેન્દ્ર હંમેશા આ જ રહ્યું છે. આ સ્થાપત્ય શહેરની એ ભૌગોલિક સફર દર્શાવે છે.

રોયલ એક્સિસ સર્કલ
1411માં સુલતાન અહેમદ શાહ-1 દ્વારા નિર્મિત ત્રણ સ્મારકો - જામા મસ્જિદ, તીન દરવાજા અને ભદ્રના કિલ્લા દ્વારા રચાતી એક આભાસી ધરી (Axis) ને આ સર્કલ પ્રતિકાત્મક રીતે જોડે છે.

માતાની પછેડી સર્કલ

સાબરમતીના કિનારે વસતા અને શહેરીકરણને કારણે સ્થળાંતર કરી ગયેલા દેવીપૂજક વાઘરી સમુદાયની 400 વર્ષ જૂની કલા પરંપરા 'માતાની પછેડી'ને આ સર્કલ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

અમદાવાદના હરિયાળા વિસ્તારમાં 15% નો ફાળો

યુએનએમ ફાઉન્ડેશને ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર અને AMC ના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ફાઉન્ડેશનની 'પ્રતીતિ' પહેલ અંતર્ગત અમદાવાદમાં અત્યાર સુધીમાં 1.5 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા 12 જાહેર ઉદ્યાનો વિકસાવાયા છે, જે શહેરના કુલ ગ્રીન કવરના 15% થી વધુ હિસ્સો ધરાવે છે.

સમાજ ઉત્થાનના વિવિધ આયામો

ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર મેહતા પરિવારની સખાવતી સંસ્થા 'યુએનએમ ફાઉન્ડેશન' માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ આરોગ્ય, શિક્ષણ અને કલા ક્ષેત્રે પણ વ્યાપક પ્રદાન આપી રહી છે. ફાઉન્ડેશનની વિવિધ પહેલોથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દમણના આશરે 2.5 કરોડથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર પડી છે.

આ પણ વાંચો: Ahmedabad: અંજલી ચાર રસ્તા પાસે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇકચાલકનું મોત