અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થતા અત્યંત લોકપ્રિય 'આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો'ની તડામાર પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરીજનો અને રાજ્યભરના પ્રવાસીઓ જેના આકર્ષક સ્થાપત્યો અને વિદેશી ફૂલોની ઝાંખી જોવા આતુર હોય છે તે ફ્લાવર શો આ વર્ષે ડિસેમ્બર માસમાં યોજવાનું આયોજન કરાયું છે. સમગ્ર શોના ભવ્ય આયોજન, સિક્યોરિટી અને લેન્ડસ્કેપિંગ પાછળ પાલિકા તંત્ર દ્વારા અંદાજે ₹14 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે, જે માટેની વિધિવત ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે.

ગત વર્ષ કરતાં ₹3 કરોડનો ઓછો ખર્ચ અંદાજાયો

ગત વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરાયેલા ફ્લાવર શો પાછળ અંદાજે ₹17 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપન સાથે અંદાજિત ખર્ચ ઘટાડીને ₹14 કરોડ આસપાસ રાખવામાં આવ્યો છે. ફ્લાવર શોના એક્ઝિબિશન, લાઈટિંગ, થીમ આધારિત સ્કલ્પચર્સ, સુરક્ષા અને બગીચા નિર્માણ માટે એજન્સીઓ નક્કી કરવા મનપાના ગાર્ડન વિભાગ દ્વારા સત્તાવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

નદીના કુદરતી કાંપનો પ્લાન્ટેશનમાં વિશેષ ઉપયોગ

 આ વખતના ફ્લાવર શોમાં પર્યાવરણ અનુકૂળ પ્રયોગ હાથ ધરવામાં આવશે. સાબરમતી નદીના તળિયે જમા થયેલા પોષક તત્ત્વોથી ભરપૂર કુદરતી કાંપ (Silt) નો ઉપયોગ છોડવાઓના વાવેતર અને પ્લાન્ટેશનમાં કરવામાં આવશે, જેનાથી છોડનો સારો વિકાસ થશે અને બહારથી ખાતર ખરીદવાનો ખર્ચ ઘટશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશની દુર્લભ ફૂલછોડ પ્રજાતિઓ, વાઇલ્ડલાઇફ અને ઐતિહાસિક વિરાસતોની પ્રતિકૃતિઓ જોવા મળશે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં વીજ માંગ 27,516 મેગાવોટને પાર! 24 કલાકમાં 1400 મેગાવોટનો તોતિંગ ઉછાળો