અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભલે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે મજબૂત RCC રોડ બનાવવાનો દાવો કરતું હોય, પરંતુ પૂર્વ વિસ્તારના સૈજપુરમાં બનેલો નવો રોડ તંત્રના આ દાવાઓની પોલ ખોલી રહ્યો છે. સૈજપુરમાં તાજેતરમાં જ લાખો-કરોડોના ખર્ચે નવો RCC રોડ બનાવવામાં આવ્યો છે. રોડ બનવાથી લોકોને હાશકારો થવો જોઈતો હતો, તેના બદલે લોકો માટે નવી આફત ઊભી થઈ છે. કોન્ટ્રાક્ટરે રોડ લેવલિંગ દરમિયાન પાણીની લાઇનના એર વાલ્વ અને સપ્લાય વાલ્વને બાજુ પર ખસેડવા અથવા રોડના સમતલ કરવાના બદલે, તેને રોડની વચ્ચોવચ તોતિંગ પિલરની જેમ ઊંચા રાખીને જ રોડનું કન્સ્ટ્રક્શન પૂરું કરી દીધું છે.


કોન્ટ્રાક્ટરની લાઈવ દાદાગીરીથી રહીશો ત્રસ્ત

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જ્યારે રોડનું કામ ચાલતું હતું ત્યારે જ રોડની વચ્ચે આવી રહેલા પાણીના વાલ્વ બાબતે કોન્ટ્રાક્ટર અને તેના સુપરવાઈઝરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જોકે, સરકારી પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટરે સ્થાનિકોની વાત સાંભળવાના બદલે ભારે દાદાગીરી કરી હતી. રહીશોનો ગંભીર આરોપ છે કે કોન્ટ્રાક્ટરે જાહેરમાં કહ્યું હતું કે, "હું મારી મરજી મુજબ જ કામ કરીશ, તમારે જે કરવું હોય તે કરી લો."

નબળી ગુણવત્તા અને અકસ્માતને આમંત્રણ

હાલમાં આ વાલ્વ રોડની વચ્ચે ખુલ્લા અને ઊંચા હોવાના કારણે અંધારામાં કે પૂરપાટ ઝડપે આવતા વાહનચાલકો તેની સાથે ભટકાઈ રહ્યા છે. હજુ હમણાં જ બનેલા રોડની ગુણવત્તા સામે પણ સ્થાનિકો આંગળી ચીંધી રહ્યા છે. સ્માર્ટ સિટીના સુપરવાઈઝિંગ એન્જિનિયરોની ગેરહાજરી વિના જ કોન્ટ્રાક્ટરો પોતાની મરજી મુજબ આડેધડ કામ કરી રહ્યા હોવાનું આ લાઈવ ઉદાહરણ છે. જો આ વાલ્વને તાત્કાલિક રોડના લેવલમાં સરખા કરવામાં નહીં આવે, તો સૈજપુરનો આ નવો રોડ કોઈ નિર્દોષ વાહનચાલકનો જીવ લેશે તે નક્કી છે..

આ પણ વાંચો: Mehsana: જપુરા-કાનપુરા કેનાલનો બ્રિજ થયો જોખમી, સ્લેબમાંથી પાણી ટપકે છે અને લોખંડની એંગલો સડી ગઈ

  • Follow us on: