અમદાવાદ ગ્રામ્યના સાણંદ અને બાવળા તાલુકાના ખેડૂતો પર કમોસમી વરસાદે મોટો કહેર વરસાવ્યો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલ ખેતરોમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા હતા.
ધારાસભ્યએ નુકસાનની સ્થિતિનો સ્વીકાર કર્યો
ધારાસભ્ય કનુભાઈ પટેલે મેલાસણા ગામના ખેતરોની મુલાકાત લીધી હતી, જ્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. તેમણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી અને નિવેદન આપ્યું કે કમોસમી વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ખેડૂતોને નુકસાન થયું છે. મારા મતવિસ્તારના સાણંદ અને બાવળાના ખેડૂતોને 100 ટકા નુકસાન થયું છે. મેલાસણા ગામના ખેતરોમાં ઊભો ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.










