સાણંદ તાલુકાની ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય સંકુલમાં જર્જરિત શાળામાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે, સાણંદ તાલુકાના માણકોલ ગામમાં વર્ષો જૂની માધ્યમિક શાળા આવેલી છે. જે હવે જર્જરિત થઇ ગઈ છે. શાળા અતિ જર્જરિત હોવાથી ગામના સરપંચે હાલ પૂરતી સ્કૂલને બંધ કરાવી છે જેને પગલે બાળકોને શાળાના મેદાનમાં ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે.
શાળામાં છતના પોપડા પણ ખરી રહ્યાં છે
આ છે 21મી સદીની વરવી વાસ્તવિકતા, જ્યાં હાલ જમાનો વિકસિત ભારતની દોડમાં લાગ્યો છે તેવામાં દેશનું ભવિષ્ય ઝાડ નીચે અભ્યાસ કરે છે, શાળા અતિ જર્જરિત છે તે બાબત જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને કેમ ન આવી તે સવાલ થઈ રહ્યો છે, શાળા ગ્રાન્ટેડ છે ટ્રસ્ટ ચલાવે છે ત્યારે ટ્રસ્ટની જવાબદારી કયા ગઈ ? કેમ સ્કૂલ આ હદે જર્જરિત હાલતમાં છે, તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવા આદેશ કરાયો છે
શાળાની પરિસ્થિતિ જોઈને તો બાળકો પણ ક્લાસમાં જતા ડર અનુભવે છે, ત્યારે શાળાની રજૂઆત મળતા અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ DEO એ DPEOને પત્ર લખ્યો છે કે, જ્યાં સુધી શાળાનું રીનોવેશન નહી થાય ત્યાં સુધી ગામની પ્રાથમિક શાળામાં માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા સૂચના આપી છે. આ સાથે શાળાના ટ્રસ્ટીને પણ તાત્કાલિક ધોરણે શાળાનું સમારકામ કરવા અને વેકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવા આદેશ આપ્યો છે.
બાળકો માટે સારી શાળા તૈયાર કરાવીને બાળકોનો સારો અભ્યાસ થાય તે જરૂરી બન્યું છે
માણકોલ ગામની આસપાસ નાના મોટા 5 થી 6 ગામના બાળકો આજ શાળામાં અભ્યાસ કરવા આવે છે, છેલ્લા બે વર્ષથી આ શાળાનું પરિણામ પણ 100 ટકા આવી રહ્યું છે, અત્યારે કુલ 195 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળામાં આવે છે ત્યારે આ શાળાને ઝડપથી યોગ્ય સમારકામ કરાવીને બાળકો માટે સારી શાળા તૈયાર કરાવીને બાળકોનો સારો અભ્યાસ થાય તે જરૂરી બન્યું છે.









