ગુજરાતમાં સિંહ ધરોહર સમાન છે. પરંતુ માનવ અને સિંહના ટકરાવના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. સોરાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં સિંહોના હુમલામાં બે લોકના મોત થયા છે. રાજ્યમાં સિંહોની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2025ની સત્તાવાર ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે.ગીરના જંગલમાં રહેતા સિંહ હવે માનવ વસાહત તરફ સ્થળાંતર કરી રહ્યાં છે. જેના કારણે માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષના કિસ્સા ચિંતાજનક રીતે સામે આવી રહ્યાં છે. 


3 વર્ષમાં સિંહો દ્વારા મનુષ્યો પર થયેલા હુમલા

સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાના રાજુલા નજીક સિંહણ દ્વારા કરાયેલા હુમલામાં એક યુવકના મોત બાદ વધુ એક બનાવ ભાવનગર જીલ્લાના મહુવા નજીક નોંધાયો હતો. મહુવા તાલુકાના ગઢડા ગામે એક મજુરને સિંહે ફાડી ખાધો હતો.આ ઘટના બાદ વન વિભાગે તપાસ કરતાં જંગલની ઝાડીઓમાંથી યુવકનું માત્ર માથું અને પાંસળી મળી આવી હતી.વન વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર,ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્યત્વે જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં સિંહો દ્વારા મનુષ્યો પર અંદાજે 60 થી વધુ હુમલા નોંધાયા છે. જેમાં સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ સામેલ છે.


સિંહોની સરખામણીએ દીપડાના હુમલાની સંખ્યા વધુ

સિંહોના હુમલાના કારણે છેલ્લા 3 વર્ષમાં અંદાજે 7 થી 9 લોકોના મોત થયા છે.મોટેભાગે રાત્રિના સમયે ખેતરમાં સુતેલા મજૂરો કે ખુલ્લા વિસ્તારમાં શૌચ ક્રિયા માટે ગયેલા લોકો સિંહોના હુમલાનો ભોગ બન્યા છે.માનવી પર હુમલાઓમાં મોટાભાગના કિસ્સા ઈજાના હોય છે. પરંતુ છેલ્લા ૩ વર્ષમાં અંદાજે 9 થી 11 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો અંદાજ છે.સિંહોની સરખામણીએ દીપડા દ્વારા થતા હુમલા અને તેનાથી થતી જાનહાનિની સંખ્યા બહુ મોટી છે. દીપડાઓ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 150થી વધુ હુમલા અને 30થી વધુ લોકોના મોત નોંધાયા છે.જેમાં સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ સામેલ છે. આ લખાય છે ત્યાં અમરેલીના બગસરામાં હુડકો વિસ્તારમાં મોડી રાત્રે 10 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. 

છેલ્લા બે વર્ષમાં 322 સિંહોના મોત નોંધાયા

મોટાભાગની ઘટનાઓ ખેતરોમાં ખુલ્લામાં સૂતેલા મજૂરો અથવા રાત્રિના સમયે સિંહોના ઝુંડ સામે અચાનક આવી જવાથી બની છે. બીજી તરફ સિહોના મોતના આંકડા પણ નજર કરવા જેવી છે જેમાં છેલ્લા બે વર્ષમાં કુદરતી અને અકુદરતી (કૂવામાં પડવું. ટ્રેન-રોડ અકસ્માત) કારણોસર 322 સિંહોના મોત નોંધાયા છે. મહત્ત્વનું છે કે,2020માં સિંહો દ્વારા માનવી પર હુમલો કરવાની આ ત્રીજી ઘટના છે.જેમાં પાંચ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના જીવ ગયા છે.આ પહેલા માર્ચ 2025માં ગીર સોમનાથ રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂત પર સિંહણે હુમલો કરતા મોત નિપજ્યું હતું.


સરકાર દ્વારા ચૂકવાતું વળતર

જો વન્યજીવના હુમલામાં કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 5 લાખ વળતર મળે છે.આ ઉપરાંત ઈજાગ્રસ્તોને પણ ઈજાની ગંભીરતાના આધારે આર્થિક વળતર અને મફત તબીબી સારવાર અપાય છે.

આ પણ વાંચોઃ Gondal: જામવાડી GIDCની 'મિસરી સ્પાઈસીસ' કંપનીમાંથી 1.90 કરોડનો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો સીઝ



  • Follow us on: