અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના ભવ્ય રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશનના નવીનીકરણ અને વિકાસ કાર્ય માટે જૂનો સારંગપુર બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કારણસર સારંગપુર બ્રિજના બંને છેડા વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને તંત્ર દ્વારા સત્તાવાર રીતે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. નવા બ્રિજ નિર્માણની આ મહત્વપૂર્ણ કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા હાથ ધરવામાં આવશે.
વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગો અને રૂટ
બ્રિજ બંધ રહેવાથી મધ્ય વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે.
- ગીતા મંદિર અને ખાડિયા તરફથી આવતા વાહનો: આ વાહનો કાગડાપીઠ પોલીસ સ્ટેશન, વાણિજ્ય ભવન, અનુપમ/અંબિકા બ્રિજ અને એપરલ પાર્ક તરફથી પસાર થઈ શકશે.
- કાલુપુર સર્કલ તરફ જતા વાહનો: સારંગપુર સર્કલથી રેલવે સ્ટેશન સામેના ચાલુ માર્ગનો ઉપયોગ કરીને મોતી મહેલ હોટલ થઈને આગળ જઈ શકાશે.
- રખિયાલ અને ઓઢવ તરફથી આવતા વાહનો: ન્યુ કોટન ચાર રસ્તા, અનુપમ સિનેમા અને અનુપમ/અંબિકા બ્રિજ થઈને કાંકરિયા તથા ગીતા મંદિર તરફ જઈ શકાશે.
- કાલુપુર બ્રિજ તરફ જતા વાહનો: કામદાર મેદાન, ચારતોડા કબ્રસ્તાન અને સરસપુર ગુરુદ્વારા થઈને કાલુપુર બ્રિજના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે.

31 જુલાઈ 2027 સુધી પ્રતિબંધ અમલમાં રહેશે
સારંગપુર બ્રિજ બંધ રહેવાના કારણે શહેરના મધ્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને અસુવિધાથી બચવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી લઈને 31 જુલાઈ 2027 સુધી ટ્રાફિક પ્રતિબંધ અને ડાયવર્ઝનનો આ નિયમ કડકપણે અમલમાં રહેશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: Ahmedabad News : નરોડામાં ટ્રાફિક સમસ્યાથી મળશે રાહત! વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધી 250 મીટરનો માર્ગ નો-પાર્કિંગ ઝોન...