અમદાવાદના સારંગપુર સર્કલ પાસે ડિમોલિશનની કામગીરી દરમિયાન તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. હાલ કાલુપુર રેલવે સ્ટેશન નવા ડેવલપમેન્ટ માટે રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત AMC ની માલિકીના પ્લોટ પર 40થી 50 વર્ષ પહેલાં ભાડે અપાયેલી જગ્યામાંથી 17થી 20 કોમર્શિયલ એકમો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. AMC દ્વારા અગાઉ દુકાનો ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.

સ્થાનિક દુકાનદારોનો વિરોધ અને ટોળા એકત્ર થતા કામગીરી અટકાવાઈ

ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતા જ સ્થાનિક દુકાનદારો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ દુકાનો ખાલી કરવા માટે વધુ સમય આપવાની માંગ કરી હતી. સ્થાનિકોના ટોળા એકત્ર થતા ડિમોલિશન કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. ઘટનાસ્થળે AMC અને પોલીસનો મોટો કાફલો પહોંચ્યો હતો અને ટોળાં એકઠા થતા AMC દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો હતો.

કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાના આક્ષેપ, સ્થાનિક કાઉન્સિલરો સ્થળ પર

આ ઘટના દરમિયાન કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં AMC કેમ કાર્યવાહી કરી રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા હતા. ડિમોલિશન સ્થળ પર કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલરો પણ પહોંચ્યા હતા અને સ્થિતિ અંગે રજૂઆતો કરી હતી. 40થી 50 વર્ષ પહેલાં ભાડે અપાયેલી જગ્યા, કોર્ટમાં પેન્ડિંગ કેસ, વધુ સમયની માંગ અને રસ્તો પહોળો કરવાની કામગીરી વચ્ચે સારંગપુર સર્કલ પાસે સ્થાનિકો અને તંત્ર વચ્ચે ભારે ચર્ચા જાગી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો