અમદાવાદ શહેરમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને ગાંજાનો વેપાર કરતા ગુનેગારોના મકાનો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને સરકારી મિલકત પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ ફેલાવવા માટે આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

કૈલાશ તળાવ પાસે સરકારી જમીન પર ખડકી દીધા હતા ગેરકાયદે મકાનો

સરખેજ વિસ્તારમાં આવેલા સન્યાસ આશ્રમ નજીક કૈલાશ તળાવ પાસેની કિંમતી સરકારી જમીન પર આરોપી દંપતી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપકકુમાર રાઠોડે ગેરકાયદે રહેણાંક મકાન બાંધી દીધું હતું. આ દંપતી વિરુદ્ધ સરખેજ સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ સુનિતા રાઠોડના કેસમાં પોલીસને 2 કિલોથી વધુ ગાંજો અને 53 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

Bulldozer Action in Ahmedabad, Illegal Houses of Ganja Peddlers Demolished in Sarkhej

અગાઉના ડિમોલિશન છતાં ફરીથી બાંધકામ કરી શરૂ કર્યો હતો નશાનો વેપાર

આ જગ્યા પર વહીવટી તંત્ર દ્વારા અગાઉ વર્ષ 2023-24 અને ત્યારબાદ 2025 માં TP 90 હેઠળ ડિમોલિશનની કામગીરી કરીને 6 રહેણાંક મકાનો અને 9 કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, કાયદાનો કોઈ ડર ન હોય તેમ આરોપી દંપતીએ ડિમોલિશન બાદ ફરીથી સરકારી જમીન પર ગેરકાયદે મકાન ઊભું કરી દીધું હતું, અને ત્યાંથી ગાંજાના વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિઓ ફરી ધમધમતી કરી હતી.

Bulldozer Action in Ahmedabad, Illegal Houses of Ganja Peddlers Demolished in Sarkhej

રાઠોડ દંપતી ઉપરાંત સાગરીત બાબુ છારાના મકાન પર પણ કાર્યવાહી

પોલીસ અને AMC ની સંયુક્ત ટીમે માત્ર રાઠોડ દંપતી જ નહીં, પરંતુ તેમની બાજુમાં રહેતા અને NDPS ના ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી બાબુ ગુલાબ છારા અને તેની પત્ની શાંતા છારાના ગેરકાયદે મકાનને પણ તોડી પાડ્યું છે. તમને જણાવી દઈએ કે, બાબુ છારા પણ એક માસ અગાઉ જ ગાંજાના કેસમાં પોલીસના હાથે ઝડપાયો હતો. ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતા જ આરોપીઓના પરિવારજનોએ ઘરવખરીનો સામાન ખસેડવાનું અને સ્વેચ્છાએ બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું હતું.

https://x.com/sandeshnews/status/2124774837134770584?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124774837134770584%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અન્ય ગેરકાયદે દબાણો દૂર કરવા AMC દ્વારા સર્વેની ખાતરી

સમાજમાં દાખલો બેસાડવા માટે કરાયેલી આ કડક કાર્યવાહી બાદ હવે વહીવટી તંત્ર વધુ એક્શન મોડમાં આવી ગયું છે. આ વિસ્તારમાં આવેલા અન્ય ગેરકાયદે મકાનો અને દબાણોને પણ શોધી કાઢીને તેમને તોડી પાડવા માટે AMC દ્વારા સઘન સર્વે કરીને આગામી દિવસોમાં કડક કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી છે.


આ પણ વાંચો: Ahmedabadમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલા દંપતીના મકાન પર ડિમોલિશન, સરખેજમાં મોટી કાર્યવાહી