અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અશ્વમેઘ બંગલો વિભાગ-૩માં રહેતા અને સાંતેજમાં પી.સી. ઇન્ડસ્ટ્રીઝ નામે ઇલેક્ટ્રિકલ સામાનનો વ્યવસાય કરતા 67 વર્ષીય વૃદ્ધ મયુરભાઈ શાહ સાથે ધાર્મિક આસ્થાના નામે રૂ. 21,79,000 ની મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 23 જુલાઈના રોજ મયુરભાઈ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ તેજશ શાહ તરીકે આપી પાલડીના નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાંથી બોલતો હોવાનું કહી ધાર્મિક કાર્યમાં દાન આપવા અપીલ કરી હતી.
અમદાવાદમાં ધાર્મિક આસ્થાના નામે મોટી છેતરપિંડી
મયુરભાઈએ ઉપાશ્રય પ્રત્યેની શ્રદ્ધાને કારણે વિશ્વાસ મૂકી શરૂઆતમાં 23 જુલાઈએ ₹49 હજાર બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ 24 જુલાઈએ ₹1લાખ, 5 ઓગસ્ટે ₹1 લાખ અને 7 ઓગસ્ટે કલ્પનાબેન શાહના ખાતામાં ₹2 લાખ જમા કરાવ્યા હતા.બેંક ટ્રાન્સફર બાદ આરોપીએ આંગડિયા મારફતે નાણાં મગાવવાનું શરૂ કર્યું હતું. મયુરભાઈએ પોતાના પુત્ર ફાલ્ગુન મારફતે 10 ઓગસ્ટે ₹4 લાખ, 11 ઓગસ્ટે ₹4.30 લાખ, 12 ઓગસ્ટે ₹4 લાખ અને 14 ઓગસ્ટે ₹5 લાખ આંગડિયાથી પ્રાંતિજ અને દ્વારકા ખાતે તેજશ શાહના નામે મોકલાવ્યા હતા. આમ 20 દિવસના ટૂંકા ગાળામાં કુલ રૂ. 21.79 લાખ મેળવ્યા બાદ આરોપીએ બંને મોબાઇલ નંબર બંધ કરી દીધા હતા.
