અમદાવાદ શહેરની જાણીતી જે.જી. યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો અને કોલેજના સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. ABVPના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં તેમની કારોબારી ઘોષણા (Executive Body Announcement) કરવા માટે પહોંચ્યા હતા, જેને લઈને આ ઘર્ષણ સર્જાયું હતું.


અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં મારામારી

પ્રાથમિક માહિતી અનુસાર, ABVPના કાર્યકરો જ્યારે યુનિવર્સિટી પરિસરમાં કારોબારીની ઘોષણા કરવા માટે એકઠા થયા, ત્યારે કોલેજ સંચાલકોએ તેમને કેમ્પસની બહાર જઈને કાર્યક્રમ યોજવા માટે જણાવ્યું હતું. સંચાલકોના આ આદેશને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો અને ઘર્ષણ શરૂ થયું હતું.

સિક્યુરિટી ગાર્ડે કાર્યકરોને ડંડાથી માર માર્યો

જોકે, આ મામલો શાંત પડવાને બદલે વધુ વકર્યો હતો. ઘર્ષણ દરમિયાન, યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ્સે ABVPના કાર્યકરો પર ડંડા વડે બેરહમીપૂર્વક હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી પરિષદના કેટલાક કાર્યકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત કાર્યકરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ABVP કાર્યકરો પર હુમલો કરનાર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થી સંગઠન પર થયેલા આ હુમલાને પગલે વિદ્યાર્થી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

  • Follow us on: