અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે (SG Highway) પરથી પસાર થતાં હજારો વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. ઓવરબ્રિજની કામગીરીના કારણે છેલ્લા દોઢ (1.5) વર્ષથી બંધ રાખવામાં આવેલો કર્ણાવતી ક્લબથી સરખેજ તરફનો મુખ્ય રોડ આખરે તંત્ર દ્વારા વિધિવત રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. રોડ પર પડેલા મોટા ખાડાઓ અને બિસ્માર રસ્તાનું મનપા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
શહેર પોલીસ કમિશનરે તમામ વિભાગોના સંકલનથી રસ્તો ખુલ્લો મુકાવ્યો
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ રસ્તાની સમીક્ષા કર્યા બાદ તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ, મનપા (AMC) અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના તમામ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને પ્રજાહિતમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી વાહનોની અવરજવર સગવડભરી બની રહે.

