અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અને પૂર્વ અમદાવાદની જીવાદોરી સમાન શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. દર્દીઓ અને મેડિકલ સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગ બંધ કરી તમામ વિભાગોને હોસ્પિટલ કેમ્પસની અન્ય બિલ્ડિંગમાં ખસેડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિત
આ શિફ્ટિંગના કારણે હોસ્પિટલની કામગીરી અને સુવિધાઓ પર મોટી અસર પડી છે. અગાઉ 500 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં હવે માત્ર 307 બેડ જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અગાઉ કાર્યરત 12 ઓપરેશન થિયેટર (OT) પૈકી હવે માત્ર 7 ઓપરેશન થિયેટર જ ચાલુ રાખવામાં આવશે, જેના કારણે પ્લાન્ડ સર્જરી કરાવતા દર્દીઓને રાહ જોવી પડી શકે છે.
હવે માત્ર 307 બેડ જ ઉપલબ્ધ રહેશે
બિલ્ડિંગ શિફ્ટિંગ અને જર્જરિત હાલતના કારણે હોસ્પિટલમાં હાલ પૂરતી બ્લડ બેંક, સીટી સ્કેન અને એક્સ-રે (X-Ray) મશીનની સેવાઓ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે ઈમરજન્સીમાં આવતા દર્દીઓને અન્ય સરકારી કે મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી શકે છે.
હવે માત્ર 7 OT કાર્યરત રહેશે
બીજી તરફ, હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલની બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જોકે, જ્યાં સુધી તંત્ર દ્વારા અન્ય વૈકલ્પિક બિલ્ડિંગની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આ જ ઇમારતમાં રહેવું પડશે. હોસ્પિટલમાં સુવિધાઓ ઘટતાં પૂર્વ અમદાવાદના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad: ખોડિયારનગર પાસે બેકાબૂ કાર રોડના ડિવાઇડર પર ચડી ગઈ! સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં