અમદાવાદના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં નશાખોર અને નબીરા વાહનચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડી રાત્રે એક કાળા કાચ વાળી શંકાસ્પદ સ્પીડી કારના ચાલકે માર્ગ પર ભારે અફરાતફરી મચાવી દીધી હતી. બંધ અને સૂમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી આ કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં કાયદેસર રીતે પાર્ક કરીને મૂકેલી એક-બે નહીં પરંતુ લાઈનસર ૪ ગાડીઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. ધડાકો એટલો મોટો હતો કે આસપાસની સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
દારૂની મહેફિલ માણી હોવાની આશંકા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર કારના કાચ સંપૂર્ણપણે બ્લેક ફિલ્મથી ઢંકાયેલા હતા, જે આરટીઓ (RTO) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. ટક્કર માર્યા બાદ કારચાલક બહાર નીકળ્યો ત્યારે તે લથડિયાં ખાઈ રહ્યો હતો, જેના પરથી પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે દારૂના નશામાં ચૂર હતો. જો કે, લોકો ભેગા થાય અને પોલીસને ફોન કરે તે પહેલા જ ચાલક પોતાની ક્ષતિગ્રસ્ત કારને ત્યાં જ રસ્તા પર મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો.










